અરુણ જેટલી પર રાહુલ ગાંધીનું વિવાદીત ટ્વીટ, ભાજપ લાવશે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વ પીએમ મનમોહન સિંહને લઈને કરવામાં આવેલા નિવેદન પર સંસદમાં હોબાળો હવે શાંત થઈ ગયો છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું કે મનમોહન સિંહની દેશભક્તિ પર સવાલ ઉઠાવવાનો પીએમ મોદીનો કોઈ આશય ન હતો.

જેટલીના નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કટાક્ષ કર્યો હતો. અને જેટલીને જેટ-લાઈ (jait-lie) કહ્યાં હતા. જે અંગે ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવે તેવી શક્યતા છે.

ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે ગત રોજ રાજ્યસભામાં વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ કેન્દ્રીય નાણાપ્રધાનનો ઉપહાસ કર્યો છે, જે તેમની ગરિમાને શોભતું નથી. જો કે રાહુલ ગાંધી લોકસભાના સદસ્ય છે, આથી રાજ્યસભામાં આ પ્રસ્તાવનો સ્વીકાર કરવો કે નહીં એ રાજ્યસભાના સભાપતિ નક્કી કરશે.

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ તેની ટ્વીટમાં #bjplies હેશટેગની સાથે નાણાપ્રધાન અરુણ જેટલીના નામની સાથે પણ કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ અરુણ જેટલી અટકના સ્પેલિંગમાં બદલાવ કરી તેને jait-lie લખ્યું હતું.