નવી દિલ્હીઃ દેશમાં આસમાને ગયેલી મોંઘવારી, કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટી વધારવાના નિર્ણય અને બેરોજગારીની વધી ગયેલી સમસ્યા સામે વિરોધ દર્શાવવા માટે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે દેશવ્યાપી દેખાવોનું આયોજન કર્યું છે. આજે પાર્ટીના કાર્યકર્તાઓ રાષ્ટ્રીય પાટનગરમાં એ માટે એકત્ર થયા બાદ પોલીસે પક્ષના નેતાઓ – રાહુલ ગાંધી અને એમના બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રાને આજે બપોરે અટકાયતમાં લીધા હતા.
કોંગ્રેસના સંસદસભ્યોએ સંસદભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કાઢવાનું નક્કી કર્યું હતું. પક્ષના કાર્યકરોએ વિરોધ-દેખાવના ભાગરૂપે વડા પ્રધાનના નિવાસસ્થાનને ઘેરાવ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે એમને તે માટેની પરવાનગી આપી નથી અને સમગ્ર નવી દિલ્હી જિલ્લામાં પ્રતિબંધિત આદેશો લાગુ કરી દીધા છે.
પ્રિયંકા ગાંધીની પણ અટકાયત
પ્રિયંકા ગાંધી પક્ષના મુખ્યાલયની બહાર પક્ષના નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે વિરોધ કરતાં બેઠાં હતાં. ત્યારે પોલીસે એમને અટકાયતમાં લીધાં હતાં. મોંઘવારી સામે વિરોધ દર્શાવવા કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ આજે કાળાં વસ્ત્રો પહેરવાનું પણ નક્કી કર્યું છે. પક્ષનાં સંસદસભ્યો આજે કાળાં વસ્ત્રો પહેરીને સંસદમાં ગયાં હતાં.