કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે (12 જૂન, 2024) કહ્યું કે તેઓ રાયબરેલીથી સાંસદ બનવું કે વાયનાડથી એની દ્વિધામાં ફસાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે આ એટલા માટે છે કારણ કે હું પીએમની જેમ ભગવાન નથી, પરંતુ એક માણસ છું.
કેરળમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, “હું દ્વિધામાં છું કે મારે વાયનાડનો સાંસદ રહેવું જોઈએ કે રાયબરેલીનો.” હું આશા રાખું છું કે વાયનાડ અને રાયબરેલીના લોકો મારા નિર્ણયથી ખુશ થશે.” તેમણે આગળ લોકોનો આભાર માન્યો અને કહ્યું કે નફરતને પ્રેમથી અને અહંકારને નમ્રતાથી પરાજિત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ યુપીના રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ (યુપી)ની રાયબરેલી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને 3,90,030 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જ્યારે વાયનાડમાં રાહુલ ગાંધીએ CPI(M)ના એની રાજાને હરાવ્યા છે.
નોંધનીય છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ બે સીટો પરથી ચૂંટણી લડી હતી, પરંતુ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીથી તેમનો પરાજય થયો હતો. આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પરથી જીત્યા છે. આવી સ્થિતિમાં તેમને સીટ પસંદ કરવી પડશે.
જો કે આ વખતે નેહરુ-ગાંધી પરિવારનો ગઢ ગણાતું અમેઠી ફરી કોંગ્રેસના ખાતામાં આવી ગયું છે. અહીંથી કિશોરી લાલ શર્માએ સ્મૃતિ ઈરાનીને હરાવ્યા છે.