પંજાબમાં 12 MBBS ડોક્ટર વિધાનસભા ચૂંટણી જીત્યા

ચંડીગઢઃ ગઈ કાલે જાહેર થયેલા પંજાબ વિધાનસભા ચૂંટણીના આવેલા અભૂતપૂર્વ પરિણામમાં આમ આદમી પાર્ટી (AAP)એ કુલ 117માંથી 92 સીટ જીતીને જબ્બર સપાટો બોલાવી દીધો છે. આ વખતની ચૂંટણીમાં પંજાબ વિધાનસભામાં 12 એમબીબીએસ ડોક્ટરો પણ ચૂંટાઈ આવ્યા છે. આ ડોક્ટરોએ પોતપોતાનાં મતવિસ્તારોમાં અનુભવી રાજકીય ઉમેદવારોને ચૂંટણી જંગમાં પરાસ્ત કર્યા છે. આ 12 ડોક્ટરોમાં AAPના 9 છે જ્યારે શિરોમણી અકાલી દળ, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના એક-એક છે. ચમકૌર સાહિબ બેઠક પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર અને આંખોનાં સ્પેશિયાલિસ્ટ ડો. ચરણજીત સિંહ 70,248 મતથી વિજયી થયા છે. એમણે કોંગ્રેસના ઉમેદવાર અને ગત્ સરકારના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીને પરાજય આપ્યો છે. AAP પાર્ટીની ટિકિટ પરથી બે મહિલા એમબીબીએસ ડોક્ટર પણ ચૂંટણીમાં વિજયી થયાં છે.

ઉત્તર પ્રદેશમાં, ભાજપ અને તેના સાથી પક્ષોએ બહુમતી હાંસલ કરીને (273 બેઠક જીતીને) પોતાની સત્તાને જાળવી રાખી છે, પરંતુ આ વખતના ચૂંટણી જંગમાં એણે તેના 10 પ્રધાનોને ગુમાવ્યા છે. આમાં નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યનો પણ સમાવેશ થાય છે.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબ ચૂંટણીમાં ઝળહળતો – ક્લીન સ્વીપ વિજય હાંસલ કરવા બદલ આમ આદમી પાર્ટીને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે અને પંજાબમાં વિકાસકાર્યો હાથ ધરવા માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય એટલી તમામ મદદ કરવાની ખાતરી આપી છે.