ભારત આર્થિક-પ્રબંધમાં ઘણું સક્ષમ છે, પરંતુ…: IMF

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નાં મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલીના જ્યોર્જિવાનું કહેવું છે કે ભારત દેશ તેની આર્થિક વ્યવસ્થાનું બહુ જ સરસ રીતે સંચાલન કરી રહ્યું છે, પરંતુ વિશ્વ સ્તરે ઊર્જાની વધી રહેલી કિંમત ભારતના અર્થતંત્ર પર નકારાત્મક અસર પાડશે.

યૂક્રેન પર રશિયાના આક્રમણ અને તેની જાગતિક સ્તરે આર્થિક અસર અંગે યોજવામાં આવેલી એક મિડિયા રાઉન્ડટેબલ બેઠકમાં IMFનાં પ્રથમ ડેપ્યૂટી મેનેજિંગ ડાયરેક્ટર ગીતા ગોપીનાથે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધે ભારત સહિત દુનિયાના તમામ દેશોના અર્થતંત્રો સામે એક પડકાર ઊભો કરી દીધો છે. ભારત દેશ ઊર્જાની આયાત પર ઘણો મદાર રાખે છે અને ઊર્જાની વૈશ્વિક કિંમત વધી રહી છે. એનો અર્થ એ થાય કે ભારતનાં લોકો માટે વીજળી મોંઘી થશે.