નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્ર જરૂરી છે, પણ એ જ સમયે ખાનગી ક્ષેત્રની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન આભાર પ્રસ્તાવના જવાબમાં જણાવ્યું હતું. જો ભારત માનવતાની સેવા કરવામાં સક્ષમ છે તો ખાનગી ક્ષેત્રની ભૂમિકા પણ એમાં કારણભૂત છે, એમ તેમણે કહ્યું હતું.
તમે કોઈ પણ ક્ષેત્ર લઈ લો- ટેલિકોમ, ફાર્મા –આપણે ખાનગી ક્ષેત્રની ભૂમિકા જોઈ છે. સરકાર ખેડૂતો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. ખેડૂતો તેમનાં મંતવ્યો ત્રણ કૃષિ કાયદા પર રજૂ કરી રહ્યા છે અને મોટા ભાગના પ્રધાનો તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. વડા પ્રધાને કૃષિ કાયદાઓ વિશેની આશંકાઓ દૂર કરતાં કહ્યું હતું કે કાયદાઓ લાગુ થયા પછી ન તો કોઈ મંડી બંધ થઈ છે અને ન તો MSP બંધ થઈ છે, પરંતુ MSPમાં વધારો થયો છે, એને કોઈ નકારી શકે નહીં, એમ તેમણે કહ્યું હતું.
જે લોકો ગૃહમાં ખલેલ પહોંચાડે છે, એ વ્યૂહરચનાથી કરી રહ્યા છે, કેમ કે તેઓ સત્યને પચાવી શકતા નથી. જે વિપક્ષી સભ્યોના વિરોધ વચ્ચે લોકો રાજકારણ કરી રહ્યા છે, એ ક્યારેય જીતી નહીં શકે, એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાન મોદી જ્યારે કૃષિ કાયદા વિશે સરકારનું વલણ સ્પષ્ટ કરતા હતા, ત્યારે કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસે લોકસભા અને રાજ્યસભામાં અલગ-અલગ વલણ અપનાવ્યાં છે અને કોંગ્રેસ કન્ફ્યુઝ્ડ પાર્ટી છે, એમ મોદીએ કહ્યું હતું.