કોંગ્રેસ નવા કૃષિ-કાયદા રદ કરશે: પ્રિયંકા ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક કિસાન મહાપંચાયતમાં હાજરી આપી હતી અને ત્યાં એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોનું અપમાન કર્યું છે. એમને પાકિસ્તાન અને ચીનની મુલાકાતે જવાનો સમય મળે છે, પણ ખેડૂતોને મળવાનો એમની પાસે સમય નથી.

નવા કૃષિ કાયદાઓના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતાં પ્રિયંકાએ કહ્યું કે જો અમારો પક્ષ સત્તા પર ચૂંટાઈ આવશે તો કેન્દ્ર સરકારે હાલ લાગુ કરેલા વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરશે. આ ત્રણેય કાયદા દુષ્ટ છે. એનાથી માત્ર અબજપતિઓને જ લાભ થશે. જો કોંગ્રેસ સત્તા પર આવશે તો આ કાયદાઓને રદ કરશે. (ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય કાયદા સામેના વિરોધમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના ખેડૂતો દિલ્હીના સીમાંત વિસ્તારોમાં છેલ્લા બે મહિના કરતાંય વધારે સમયથી આંદોલન-ધરણા કરી રહ્યાં છે).

(તસવીરોઃ @INCIndia)