નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલાં નેતા નુપૂર શર્માને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે પ્રતિવાદીઓને નોટિસ મોકલી છે અને એવો આદેશ આપ્યો છે કે નુપૂર શર્મા સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવી નહીં. કોર્ટે શર્માએ નોંધાવેલી અરજી ઉપર વધુ સુનાવણી માટે 10 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.
ઉલ્લેખનીય છે કે, નુપૂર શર્માએ મોહમ્મદ પયગંબર અને ઈસ્લામ અંગે કથિતપણે કરેલી ટિપ્પણી બદલ એમની સામે નોંધવામાં આવેલી પોલીસ એફઆઈઆર ફરિયાદોનાન સંબંધમાં એમની ધરપકડ કરવા પર મનાઈહૂકમ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી નોંધાવી છે.
આજનો ઓર્ડર ન્યાયમૂર્તિઓ સૂર્ય કાંત અને જે.બી. પારડીવાલાની બેન્ચે આપ્યો છે. શર્મા સામે એફઆઈઆર નોંધનાર દિલ્હી, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર રાજ્યોને કોર્ટે આદેશ આપ્યો છે કે એમણે હાલપૂરતું શર્માની ધરપકડ કરવી નહીં. શર્માએ કોર્ટને વિનંતી કરી છે કે એમની સામે નોંધવામાં આવેલી તમામ અલગ અલગ એફઆઈઆરને એકઠી કરી દેવામાં આવે. કોર્ટે આની પર ધ્યાન આપવાનું પણ સંબંધિત રાજ્યોની સરકારોને કહ્યું છે.