ચૂંટણી પછી ફ્લાઇટથી દિલ્હી પહોંચ્યા ‘મિસ્ટર બેલેટ બોક્સ’

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગઈ કાલે મતદાન પ્રક્રિયા પૂરી થયા પછી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મતપેટીઓ નવી દિલ્હી આવવાની શરૂ થઈ ગઈ છે. ચૂંટણી અધિકારીઓની સાથે ‘મિસ્ટર બેલેટ બોક્સ’ને નામે મતપેટીઓની પણ ટિકિટ બુક કરાવવામાં આવી હતી. દેશના ચૂંટણી પંચે (ECI) રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મતપેટીઓ મોકલી હતી.

આ યાત્રા માટે ‘મિસ્ટર બેલેટ બોક્સ’ નામથી વિવિધ ટૂ-વે હવાઈ ટિકિટોની સાથે મતપેટીઓને બુક કરવામાં આવી હતી. આ પહેલાં સુપરવાઇઝર અધિકારીઓ દ્વારા બોક્સને હેન્ડ બેગેજના રૂપમાં મોકલવામાં આવી હતી. આ વર્ષે પંચે મતપેટીઓ માટે ટૂ-વે ટિકિટ બુક કરવામાં આવી હતી.

ચૂંટણી અધિકારીઓ મતપેટીઓ સાથે સીટો પર બેસી જાય છે. ગયા સપ્તાહે ECI એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયામાં બેલેટ બોક્સની એક મુખ્ય ભૂમિકા હોય છે. આ કોઈ સાધારણ બોક્સ નથી. એ સૌથી મોટા લોકશાહી દેશના સર્વોચ્ચ પદના ભાગ્યનો નિર્ણય કરે છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીના મતોની ગણતરી 21 જુલાઈએ કરવામાં આવશે. ત્યારે પરિણામ નક્કી કરશે કે દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે?  દ્રોપદી મુર્મુ અને યશવંત સિંહા ચૂંટણી મેદાનમાં છે. NDAના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રોપદી મુર્મુ છે અને વિપક્ષે યશવંત સિંહાને ઉમેદવાર બનાવ્યા છે.