દેશનાં અનેક રાજ્યોમાં વીજસંકટ ઊભું થાય એવી શક્યતા

નવી દિલ્હીઃ ચીન પછી ભારત હાલના સમયે કોલસાની અછતને પગલે અભૂતપૂર્વ વીજસંકટના દ્વારે ઊભું છે. કોલસાથી ચાલતા દેશના કુલ 135 વીજ પ્લાન્ટ્સમાં અડધાથી વધુ પાસે માત્ર 2-4 દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો છે. દેશમાં 70 ટકા વીજનું ઉત્પાદન કોલસાથી થાય છે. દેશમાં તહેવારોની સીઝન ચાલી રહી છે અને વીજમાગ વધી રહી છે, ત્યારે ઓદ્યૌગિક અને ઘરેલુ વીજ ખપત –બંને પીક લેવલે હોય છે.

એવું નથી કે એ સંકટ અચાનક પેદા થયું છે. દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેર નબળી થવા સાથે વીજ માગ ઝડપથી વધી છે. છેલ્લા બે મહિનામાં વીજની ખપત 2019ના સમયગાળાના મુકાબલે આશરે 17 ટકા વધી છે. હાલના સમયે વૈશ્વિક સ્તરે કોલસાની કિંમતોમાં 40 ટકા વધારો થયો છે, જેથી કોલસાની કિંમતોમાં 40 ટકા વધારો થવાથી ભારતની કોલસાની આયાત ઘટીને બે વર્ષના તળિયે પહોંચી ગઈ છે. વિશ્વનો બીજો સૌથી મોટો કોલસો આયાતકાર અને ચોથા સૌથી મોટા સ્ટોકવાળા ભારત પાસે પર્યાપ્ત સ્ટોક નથી. સપ્ટેમ્બર પૂરો થવા સુધીમાં દેશમાં કોલસાથી ચાલનારા 135 પાવર પ્લાન્ટ્સમાંથી અડધો અડધ પાસે સરેરાશ માત્ર ચાર દિવસો સુધી ચાલે એટલો કોલસાનો સ્ટોક છે. જ્યારે ઓગસ્ટના પ્રારંભમાં એ સરેરાશ 13 દિવસોનો હતો. એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર માટે હાલ કોલસાનું સંકટથી ઝઝૂમવાનો પડકાર છે.

કોલસાની અછતને કારણે કેટલાય પાવર પ્લાન્ટ્સમાં ઉત્પાદન બંધ છે. પંજાબમાં પટિયાલા જેવાં શહેરોમાં ચાર-ચાર કલાકનો વીજકાપ થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ નજીકના ભવિષ્યમાં ભીષણ વીજસંકટનો સામનો કરે એવી શક્યતા છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]