લખીમપુર હિંસા-કેસમાં પોલીસ સામે પ્રધાનપુત્ર આશિષ મિશ્રા હાજર

લખનઉઃ લખીમપુર ખીરી હિંસા કેસમાં મુખ્ય આરોપી અને કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા આખરે શનિવારે ક્રાઇમ બ્રાન્ચ સામે હાજર થયા હતા. તેઓ આશરે 10.40 કલાકે ક્રાઇમ બ્રાંચની ઓફિસ પહોંચ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ ટીમની આશિષથી પૂછપરછ કરી રહી છે. આશિષ મિશ્રા પર ખેડૂતોને જીપથી કચડવાનો આરોપ છે. આ પહેલાં આશિષ મિશ્રા શુક્રવારે લખીમપુર ખીરીમાં પોલીસ સામે હાજર નહોતા થયા, એટલે પોલીસે બીજી નોટિસ મોકલીને તેમને શનિવારે 11 કલાકે હાજર થવાનો સમય આપ્યો હતો. યુપી પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા બે લોકોમાં બનબીરપુર ગામના લવકુશ અને નિધાસન તહસીલના આશિષ પાંડે સામેલ છે. ગયા રવિવારે લખીમપુર ખીરીના તિકોનિયા ક્ષેત્રમાં હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોનાં મોત થયાં હતા. આ ખેડૂતોને કાર નીચે કચડવામાં આવ્યા હતા.

ખેડૂતોએ દાવો કર્યો હતો કે આશિષ મિશ્રા કાફલાની કઈ ગાડીમાં સામેલ હતા. જોકે આશિષ અને તેમના પિતા અજય મિશ્રાએ આ આરોપોથી ઇનકાર કર્યો હતો.

બીજી બાજુ, લખીમપુર કેસમાં કોઈ પણ દબાણ હેઠળ કોઈ પણ કાર્યવાહીથૂ યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઇનકાર કર્યો હતો. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે તેમની સરકાર કોઈના પર માત્ર આરોપોને આધારે કાર્યવાહી નહીં કરે. તેમનું કહેવું હતું કે નક્કર પુરાવાને આધારે કેસમાં કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં આશિષ મિશ્રા સહિત કુલ સાત લોકો આરોપી છે, બે આરોપીઓની કિંસામાં મોત થયાં છે, જ્યારે એક અજાણ્યો છે.