લખનઉમાં પોસ્ટર લાગ્યાં UP+ બિહાર એટલે ગઈ મોદી સરકાર

નવી દિલ્હીઃ વિપક્ષ લોકસભાની ચૂંટણી 2024થી પહેલાં UP અને બિહારમાં ગઠબંધનને  મજબૂત કરવામાં લાગ્યો છે. બિહારના CM નીતીશકુમાર તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. હાલમાં તેમણે મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયેલા સમાજવાદી પાર્ટીના સંયોજક મુલાયમ સિંહ યાદવ સાથે મુલાકાત કરી હતી. તેમણે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી.

વિરોધ પક્ષોને એકસાથે લાવવાના નીતીશકુમારના પ્રયાસોની વચ્ચે ઉત્તર પ્રદેશમાં એક ફોટો સામે આવ્યો છે, જેમાં નીતીશકુમાર અને અખિલેશ યાદવ સાથે નજરે ચઢી રહ્યા છે. બંનેના ફોટાવાળા પોસ્ટરમાં લખ્યું છે  UP + બિહાર= ગઈ મોદી સરકાર . આ પોસ્ટર પર સપાના નેતા IP સિંહનું નામ લખ્યું છે.

એવું માનવામાં આવે છે કે આ પોસ્ટર દ્વારા સંદેશ આપવાના પ્રયાસ થઈ રહ્યા છે કે મોદી સરકારને 2024ની લોકસભાની ચૂટણીમાં રોકવા માટે સપા નીતીશકુમારના નેતૃત્વવાળા જૂથ સાથે ઊભી છે. વિપક્ષી એકતાને લઈને પોસ્ટર લખનઉમાં પહેલેથી બિહારમાં પણ જોવા મળ્યા હતા. પટનાના ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે એક પોસ્ટમાં લખ્યું હતું કે બિહારમાં દિખા ભારત મેં દિખેગા. આ પોસ્ટરની નીતીશકુમારનો ફોટો હતો.

હવે પટના પછી UPની રાજધાની લખનઉમાં પોસ્ટર લગાડવામાં આવ્યાં છે, જેમાં અખિલેશ અને નીતીશકુમાર નજરે ચઢી રહ્યા છે. નીતીશુમાર હાલમાં દિલ્હીમાં પાંચથી સાત સપ્ટેમ્બર સુધી વિપક્ષની પાર્ટીઓના 10 નેતાઓને મળ્યા હતા. નીતીશકુમાર, કોંગ્રેસના રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, શરદ પવાર સહિત અનેક અગ્રણી નેતાઓને મળ્યા હતા.