સરકારના આધારે રહેશો નહીંઃ ખેડૂતોને ગડકરીની સલાહ

નાગપુરઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી અવારનવાર એમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એમણે અનેક વાર નામ દીધા વગર મોદી સરકારની ટીકા કરી છે. હવે એમણે ખેડૂતોની સમસ્યાના મુદ્દે મોદી સરકારને ટોણો મારીને ખેડૂતોને એક સલાહ આપી છે. એને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

(પ્રતીકાત્મક તસવીર)

નાગપુરમાં ગઈ કાલે એગ્રો વિઝન ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધિત કરતાં ગડકરીએ કહ્યું હતું કે, મેં મારી માર્કેટ શોધી લીધી છે. તમારી માર્કેટ તમે શોધી લો. ખેડૂતોએ સરકાર પર નિર્ભર રહેવું ન જોઈએ. હું પોતે સરકારમાં છું તે છતાં તમને આમ જણાવું છું. સરકાર અને પરમેશ્વર પર આપણને ઘણો વિશ્વાસ હોય છે. પરંતુ જો નવપરિણીતો પ્રયત્ન જ ન કરે તો સરકાર અને પરમેશ્વરની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ એમના ઘરમાં ઘોડિયું બંધાય નહીં. હું સરકારમાં છું છતાં તમને કહું છું કે જે ખેડૂતો સરકાર પર નિર્ભર નથી રહ્યા એમનો જ વિકાસ થયો છે. સરકારના આધારે રહેશો નહીં. જાતે જ આગળ વધો અને તમારી પ્રગતિ કરો. તમારા કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગ અને નિકાસ માટે તમે જાતે જ તમારી કંપનીઓ બનાવો. સરકાર પર આધાર રાખશો નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]