પ્રદૂષિત શહેર, 100 કરોડનું કૌભાંડઃ ભાજપનું કેજરીવાલ વિરુદ્ધ આરોપપત્ર

નવી દિલ્હીઃ દિલ્હીમાં શિયાળાની ઠંડી વચ્ચે રાજકીય ગરમાટો આવ્યો છે. દિલ્હીમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી છે. ભાજપે દિલ્હી સરકાર, આપ પાર્ટીના સંયોજકની વિરુદ્ધ આરોપોની એક યાદી જારી કરી છે.  ભાજપના અનુરાગ ઠાકુર, દિલ્હી ભાજપપ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને અન્ય પાર્ટી નેતાઓએ કેજરીવાલ સરકારની વિરુદ્ધ આ આરોપપત્ર જારી કર્યું છે. આ આરોપોનું લિસ્ટ દિલ્હી સરકાર અને કેજરીવાલ પર નિશાન સાધવામાં આવ્યું છે.

ભાજપના નેતાઓએ આરોપપત્રમાં જણાવ્યું છે કે આ પાર્ટીની સરકારમાં 1200થી વધુ AQI રહેવાને કારણે દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. દિલ્હી સરકારે રૂ. 100 કરોડનું લિકર કૌભાંડ કર્યું છે. દિલ્હીમાં રસ્તા, પીવાનું પાણી અને વીજપુરવઠાની ખસ્તા હાલત છે.

‘कान्हा तेरी यमुना काली हो गई, केजरीवाल के पाप धोते-धोते’, એમ જણાવતાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે વાયુ પ્રદૂષણ અને ખરાબ સિવેજ સિસ્ટમને કારણે દિલ્હી ગેસ ચેમ્બર બની ગઈ છે. એનાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ થઈ રહી છે. પાણી પ્રદૂષિત છે, એમ તેમણે જણાવ્યું હતું.

આપ સરકારની વિરુદ્ધ ભાજપ દ્વારા આરોપપત્ર જારી કરવા પર આપના વડા કેજરીવાલે કહ્યું હતું કે ભાજપ પાસે ચૂંટણી લડવાનો કોઈ એજન્ડા નથી. ભાજપે દિલ્હીની જનતાને જણાવવું જોઈએ કે તેમણે દિલ્હીમાં પાંચ વર્ષમાં કેટલાં કામો કર્યાં. દિલ્હીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસી છે. તેમની પાસે CMનો કોઈ ચહેરો નથી. હવે ચૂંટણી આવી હોવાથી તેઓ મારી વિરુદ્ધ ચાર્જશીટ જારી કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.