રાજકીય ગરમાવોઃ બિહારમાં કાકા-ભત્રીજાનું ફરી થશે મિલન?

નવી દિલ્હીઃ બિહારના રાજકારણને રાજકીય પ્રયોગશાળાનો ગઢ માનવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં અનેક વાર રાજકીય ઊથલપાથલ થઈ છે. લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી ફરી એક વાર કંઈક રાજકીય નવાજૂની થવાની શક્યતા છે. ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે નીતીશકુમાર લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી ફરી એક વાર કોઈ મોટો નિર્ણય કરે એવી શક્યતા છે.

તેજસ્વીના આ નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે, RJDના નેતા અને ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવે નીતીશકુમારને લઈને કહ્યું હતું કે તેમના ‘ચાચા’ એટલે કે CM નીતીશકુમાર ચોથી જૂન પછી કોઈ મોટો નિર્ણય લે એવી શક્યતા છે. નીતીશ પોતાની પાર્ટી બચાવવા અને પછાત વર્ગના રાજકારણ માટે કોઈ પણ પગલું ભરે એવી સંભાવના છે. તેજસ્વીના નિવેદનથી રાજ્યમાં ફરી એક વાર સત્તા પરિવર્તન થાય એવી શક્યતા છે.

બીજી બાજુ, નીતીશકુમાર જ્યારથી NDAમાં આવ્યા છે, ત્યારથી તેઓ ફરી પાલો બદલવાની સંભાવનાનો ઇનકાર કરતા રહ્યા છે. લોકસભા ચૂંટણી દરમ્યાન PM મોદીની સાથે મંચ શેર કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ હવે ક્યાંય નહીં જાય. NDAની સાથે જ રહેશે. એક ચૂંટણી સભા દરમ્યાન નીતીશકુમારે વડા પ્રધાન મોદીને ત્યાં સુધી તેમણે કહ્યું હતું કે તેઓ વચમાં બે વાર ભટકી ચૂક્યા છે, પણ તેઓ હવે ભાજપ અને NDAને છોડીને ક્યાંય નહીં જાય. આવામાં ચોથી જૂન પછી નીતીશકુમાર શો નિર્ણય કરે છે એ તો આવનારો સમય જ કહેશે.

 

 

 

 

 

,