વડા પ્રધાન મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ 30 જૂનથી ફરી શરૂ થશે

0
885

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ આવતી 30 જૂને ફરી શરૂ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી દરમિયાન આ કાર્યક્રમને અટકાવી દેવામાં આવ્યો હતો, કારણ કે મોદી પણ ચૂંટણીના એક ઉમેદવાર હતા.

તેથી એમનો લોકપ્રિય બનેલો ‘મન કી બાત’ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) પરથી ફરી પ્રસારિત કરાશે.

પ્રસાર ભારતી ન્યૂઝ સર્વિસીસ સંસ્થાએ ‘મન કી બાત’ કાર્યક્રમ માટે લોકો પાસેથી સૂચનો મગાવવાનું શરૂ કરી દીધું છે.

પ્રસાર ભારતીના ટ્વીટમાં જણાવાયું છે કે, પીએમ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ ફરી આવી રહ્યો છે. શું તમારા વિચાર, માહિતીની ‘મન કી બાત’માં રજૂઆત થાય એવું ઈચ્છો છો? તો એને https://mygov.in પર શેર કરો અથવા ફોન નંબર 1800-11-7800 ડાયલ કરીને જણાવો.

મોદીએ એમનો છેલ્લો રેડિયો કાર્યક્રમ લોકસભાની ચૂંટણી પૂર્વે ગયા ફેબ્રુઆરીમાં કર્યો હતો. ત્યારે એમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એમની પાર્ટી (ભારતીય જનતા પક્ષ) ચૂંટણીમાં વિજયી થશે અને ચૂંટણી પૂરી થયા બાદ રેડિયો કાર્યક્રમ ફરી શરૂ થશે.

‘મન કી બાત’ કાર્યક્રમ દર મહિનાના આખરી રવિવારે પ્રસારિત કરાતો હોય છે.