બાઈડન, ફર્સ્ટ-લેડીને ભારત આવવાનું મોદી તરફથી આમંત્રણ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા પ્રમુખ બનેલા જૉ બાઈડન અને એમના પત્ની ફર્સ્ટ લેડી ડો. જિલ બાઈડનને એમના શક્ય એટલા વહેલા અને અનુકૂળ સમયે ભારતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું છે. મોદીએ આ આમંત્રણ બાઈડન સાથે ગઈ કાલે ટેલીફોન પર થયેલી સત્તાવાર વાતચીત દરમિયાન આપ્યું હતું. પ્રમુખ તરીકે સફળતા પ્રાપ્ત થાય એવી શુભેચ્છા મોદીએ બાઈડનને આપી હતી.

મોદી અને બાઈડને ફોન પરની વાતચીત દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં પ્રાદેશિક તથા બંને દેશને સ્પર્શતા મહત્ત્વના પ્રશ્નોનો સમાવેશ થતો હતો. મોદીએ આ જાણકારી ટ્વીટ દ્વારા આપી છે. મોદી સાથેની વાતચીતમાં બાઈડને કોરોના વાઈરસ રોગચાળા અને ત્રાસવાદના દૂષણ સામેના જંગમાં અમેરિકા-ભારત વચ્ચેના સહકારનો પુનરોચ્ચાર કર્યો હતો.