15 ફેબ્રુઆરીથી કાર માટે ફાસ્ટેગ ફરજિયાત

મુંબઈઃ દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના કોઈ પણ ટોલ પ્લાઝા પરથી પસાર થનાર તમામ મોટરકારો માટે વેરો-ચૂકવતી વખતે ફાસ્ટેગ ફરજિયાત રહેશે. 15 ફેબ્રુઆરીથી તમામ કાર માટે ફાસ્ટેગ ફરજિયાત રહેશે એવી કેન્દ્ર સરકાર અગાઉ જાહેરાત કરી ચૂકી છે. હવે એ મુદત લંબાવવામાં આવે એવી શક્યતા ઓછી છે.

ટોલ પેમેન્ટ્સ માટે અમલમાં મૂકાનાર સંપર્કવિહોણી (કોન્ટેક્ટલેસ) સિસ્ટમ તેમજ ઈલેક્ટ્રોનિક પેમેન્ટ્સને ઉત્તેજન આપવા માટે સરકાર ફાસ્ટેગને ફરજિયાત બનાવવા માગે છે. 15 ફેબ્રુઆરી પછી એક પણ ટોલ બૂથ પર રોકડ રકમ સ્વીકારવામાં નહીં આવે. આમ તો 2021ની 1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવાયું હતું, પરંતુ ત્યારબાદ સરકારે એ માટેની મુદતને 15 ફેબ્રુઆરી સુધી લંબાવી હતી. હવે એ તારીખ નજીક આવી છે. તેથી જે કારચાલકોએ 15 ફેબ્રુઆરી સુધીમાં ફાસ્ટેગ મેળવ્યું નહીં હોય એમને તથા એમની સાથેના પ્રવાસીઓને ત્રાસ પડી શકે છે.