છત્તીસગઢ ચૂંટણી: ગાંધી પરિવાર પર પીએમનો કટાક્ષ, કહ્યું નોટબંધીને કારણે…

બિલાસપુર- છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિલાસપુરમાં બીજા તબક્કાના પ્રચાર માટે જાહેરસભાને સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાને તેમના ભાષણમાં નોટબંધી, નક્સલવાદ, વિકાસ અને કોંગ્રેસના ઘોષણા પત્રની વાત કરી હતી.સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં વડાપ્રધાને જણાવ્યું કે, નોટબંધીના કારણે આજે માતા-પુત્ર રુપિયાની હેરાફેરી કરીને જામીન પર ફરી રહ્યાં છે. જોકે આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું નામ લીધું નહતું. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, આ લોકો નોટબંધીનો હિસાબ માગી રહ્યાં છે. તેઓ ભૂલી ગયા કે નોટબંધીના કારણે નકલી કંપનીઓ બંધ થઈ ગઈ અને તેમના કૌભાંડો જાહેર થયાં છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જામીન પર છે.

પીએમ મોદીએ કહ્યું કે, અમારી પાર્ટી નાની હતી. પરિસ્થિતિ મુશ્કેલ હતી. પરંતુ અમારા કાર્યકર્તાઓની નિષ્ઠામાં પરિવર્તન આવ્યું નથી. મને છત્તીસગઢ આવવાનું વારંવાર સૌભાગ્ય મળી રહ્યું છે. રાજ્ય સરકારના કામને લોકો સુધી લાવી રહ્યાં છે. અમારા કાર્યકર્તાઓ લોકોની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે.

પીએમ મોદીએ કહ્યું કે, મતદાન કરવું તે લોકશાહીનો સૌથી મોટી ઉત્સવ છે. મને વિશ્વાસ છે કે, બોમ્બ, બંદૂક અને પિસ્તોલનો દમ દેખાડનારાઓને લોકશાહીની તાકાત જવાબ આપશે. અમારી વિરોધી પાર્ટીઓને હજીસુધી એ વાતની સમજણ નથી પડતી કે, ભારતીય જનતા પાર્ટીની સાથે મુકાબલો કેવી રીતે કરવો.