રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં ઝડપી સુનાવણી કરવા SCનો ઈનકાર

નવી દિલ્હી- અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીનનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની ઝડપથી સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી અખિલ ભારતીય હિંદૂ મહાસભા દ્વારા કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ મામલાની સુનાવણી ઝડપથી કરવાનો ઈનકર કર્યો છે.ચીફ જસ્ટિસનું કહેવું છે કે, તેમણે અગાઉ આ મામલામાં તારીખ આપેલી છે. આ કેસમાં અગાઉ 29 ઓક્ટોબરે સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં ચીફ જસ્ટિસે સુનાવણી ટાળી દીધા હતી અને જાન્યુઆરી 2019ની તારીખ આપી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણીને આગળ વધારતા સંત સમાજમાં નારાજગીની લાગણી પ્રસરી છે.

આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ સહિત જસ્ટિસ સંજય કિશન કોલ અને જસ્ટિસ કે.એમ. જોસેફની ખંડપીઠે કરી હતી.

આ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટેની ત્રણ સભ્યોની ખંડપીઠે 30 સપ્ટેમ્બર 2010ના રોજ તેના નિર્ણયમાં કહ્યું હતું કે 2.77 એકર જમીનને ત્રણ પક્ષો, રામલલ્લા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડમાં બરાબર રીતે વહેંચવામાં આવે. આ નિર્ણયને કોઈ પણ પક્ષે માન્ય રાખ્યો નથી અને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણય પર રોક લગાવી છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ 8 વર્ષથી છે. હવે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા આ મામલાએ ફરી એકવાર જોર પકડ્યું છે.

જોકે આ મામલે સુપ્રીમ કોર્ટેનો નિર્ણય ક્યાં સુધીમાં આવશે તે કઈ કહી શકાય નહીં. પરંતુ બીજેપી નેતાઓ અને સંત સમાજ ઉપરાંત મંદિરના પક્ષધર લોકો આ કેસમાં ઝડપથી સુનાવણી થાય તેવું ઈચ્છી રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]