આપણે આ વિસ્તારને પ્લાસ્ટિકથી બચાવવાનો છેઃ કેવડિયામાં મોદીનું સંબોધન

નર્મદાઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના જન્મ દિવસે નર્મદા નીરના વધામણા કર્યા હતા અને સાથે જ નર્મદા ડેમ પાસે વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરીને ગરુડેશ્વર દત્ત મંદીરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીએ કેવડિયા ખાતેથી એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.

વડાપ્રધાને કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે કેવડીયા અને ગુજરાત વિશ્વના મેપમાં છવાયું છે. લોકાર્પણના 11 મહિનામાં 23 લાખથી વધુ મુસાફરોએ સ્ટેચ્યુને નિહાળ્યું. રોજ એવરેજ સાડા 8 હજાર ટુરિસ્ટ અહી આવે છે. ગત મહિને જન્માષ્ટમીએ રેકોર્ડ બન્યો છે. આ મોટી ઉપલબ્ઘિ છે. અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવા રોજ દસ હજાર લોકો પહોંચે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોજગારનું સાધન બન્યું છે. આજે મેં સમગ્ર સમય નવા પ્રોજેક્ટ નિહાળ્યા. આપણે આ વિસ્તારને પ્લાસ્ટિકથી બચાવવું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્તિ માટે દેશ પ્રયાસ કર્યો છે. જળ, જીવન અને જમીન પ્લાસ્ટિકથી મુક્ત રહે તેવા પ્રયાસો હોવા જોઈએ. આજે 17 સપ્ટેમ્બરે સરદાર પટેલ અને ભારતની એકતા માટે કરાયેલા પ્રયાસોનો દિવસ છે. આજે હૈદરાબાદ મુક્તિ દિવસ પણ છે. આજના દિવસે 1948માં હૈદરાબાદનું વિલય ભારતમાં થયું હતું. જો સરદાર પટેલની દૂરંદેશીતા તે સમયે ન હોત તો આજે ભારતનો નક્શો કેવો હોત. ભારતની સમસ્યાઓ અજીબ હોત. એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનુ સાકાર થઈ રહ્યું છે. જે કામ અધૂરા રહ્યાં છે, તેને પૂરા કરવાનો પ્રયાસ હિન્દુસ્તાન કરી રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે IIM અમદાવાદ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં સામે આવ્યું કે માઈક્રો ઈરિગેશન કારણે જ ગુજરાતમાં 50 ટકા પાણીની બચત થઈ છે. 40 ટકા મજબૂત મજબૂરીનો ખર્ચ ઓછો થયો. તેમજ વીજળીની બચત થઈ. બીજી તરફ, પાકમાં 30 ટકાનો વધારો થયો. પ્રતિ હેક્ટર ખેડૂત પરિવારની આવકમાં 15500 રૂપિયાનો વધારો થયો. જ્યારે કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું હતું, ત્યારે મેં કહ્યું હતું કે આ પાણી કચ્છ માટે પારસ સાબિત થશે. આજે આનંદ થાય છે કે, નર્મદાનું જળ નર્મદાના મોટા હિસ્સા માટે પારસ સિદ્ધ થયું છે. નર્મદાનું પાણી નથી, પણ પારસ છે. જે માટીને સ્પર્શતા જ સોનુ બનાવે છે. નર્મદા જળને કારણે નળથી જળની સીમા પણ ત્રણ ગુણા વધ્યું છે. 2001માં ગુજરાતના 26 ટકા ઘરોમાં નળમાંથી જળ આવતુ હતું. આઝાદીના પાંચ દાયકા સુધી માત્ર 26 ટકા ઘર કવર થયા હતા. આજે રાજ્યના 78 ટકા ઘરોમાં નળમાંથી પાણી આવે છે. હવે હર ઘર જળનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવું છે. ગુજરાતના ગામ અને શહેર તેજીથી પાણીના નેટવર્ક સાથે જોડાઈ રહ્યાં છે. તેમણે આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારને પાણી પહોંચાડવા માટે અભિનંદન આપ્યા હતા.

આજનો અવસર ભાવનાત્મક છે. સરદાર પટેલનું સપનુ દાયકાઓ બાદ પૂરુ થયું છે. એ પણ તેમની પ્રતિમા અને તેમની નજર સામે. અમે પહેલીવાર ડેમને ભરેલો જોયો છે. એક સમયે 122 મીટરના લક્ષ્ય પર પહોંચવુ મોટી સિદ્ધી ગણાતી. પંરતુ પાંચ વર્ષમાં 138 મીટર સુધી ડેમનુ ભરાવું અદભૂત છે. અહીં પહોંચવામાં લાખો લોકોનું યોગદાન રહ્યું છે. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે જળાશયોની સાફસફાઈનુ કામ કરાઈ રહ્યું છે. આગામી દિવસોમાં મોટાપાયે વૃક્ષારોપણનું કામ કરાશે. આજ પ્રેરણા પર જળજીવન મિશન આગળ વધશે. દેશમાં જળસંરક્ષણનું આંદોલન સફળ થશે. ગુજરાતના જનભાગીદારીના સફળ પ્રયોગોને આપણે વધુ આગળ લઈ જવા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ મા નર્મદાની કૃપા થઈ છે, જ્યાં એક સમયે સપ્તાહો સુધી પાણી પહોંચતુ ન હતું. ગુજરાતમાં પાણીની લડાઈમાં ગોળીઓ મરાતી હતી. ગરમી શરૂ થતા જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો પોતાના પશુધનને લઈને સેંકડો કિલોમીટર સુધી ચાલીને જતા હતા. 2000ના વર્ષમાં ભયંકર ગરમીમાં પાણી પહોંચાડવા માટે ભારતમાં પહેલીવાર પાણી માટે વોટર ટ્રેન ચલાવવી પડી હતી. એ દિવસોને યાદ કરીએ, ત્યારે લાગે છે કે ગુજરાત આજે કેટલુ આગળ નીકળી ગયું છે.

તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે, પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઈ શકે છે. પ્રકૃતિ આપણા માટે આરાધ્ય, આભૂષણ છે. પર્યાવરણને સંરક્ષિત કરીને કેવી રીતે વિકાસ કરી શકાય છે. તેનુ જીવંત ઉદાહરણ કેવડીયામાં જોવા મળે છે. સવારથી મેં પ્રકૃતિ અને વિકાસના અદભૂત તાળમેળનો અનુભવ કર્યો. એક તરફ ડેમ છે, વીજળી યંત્ર છે, તો બીજી તરફ કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન તેમજ અન્ય વ્યવસ્થા છે. આ બધા વચ્ચે સરદાર પટેલની ભવ્ય પ્રતિમા આપણને આર્શીવાદ આપતી નજર આવે છે. આ બધુ પ્રેરણા છે. આજે વિશ્વકર્મા જયંતી છે. નવા ભારતના નિર્માણના સંકલ્પ માટે આપણે આગળ વધીએ છીએ, ત્યારે તેમના ભારત પર આશીર્વાદ બની રહે તેવી પ્રાર્થના. આજે હું વાત કરી રહ્યો છું ત્યારે સરદાર ડેમ અને સ્ટેચ્યુ બંને એ ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિના પ્રતિક છે. તેમની પ્રેરણાથી નવા ભારત સાથે જોડાયેલા સંકલ્પને સિદ્ધ કરીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]