મોદીના બંદોબસ્તમાં આવેલા PSIએ કેવડિયામાં કરી આત્મહત્યા

રાજપીપળાઃ કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના બંદોબસ્ત દરમિયાન નવસારીના એલઆઇબીના પીએસઆઇ નિલેશ ફિણવિયાએ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી છે. પીએસઆઇએ ઉપરી અધિકારીની હેરાનગતિથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પીએસઆઇએ સ્યુસાઈડ નોટ પણ લખી હતી. તેઓ 2013ની બેચના પીએસઆઈ હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આવ્યા હતા. જેને લઈ નવસારી, વડોદરા, ભરૂચ જિલ્લાની પોલીસને અહીં બંદોબસ્ત માટે ગોઠવવામાં આવી હતી. નવસારી એલઆઈબીમાં ફરજ બજાવતા પીએસઆઈ એન.સી. ફિણવિયાનો સર્કિટ હાઉસ ખાતે પોઈન્ટ હોવાથી ફરજ પર હાજર હતા. સાડા દસ વાગ્યાની આસપાસ પીએસઆઈ ફિણવિયાએ સર્કિટહાઉસના મુખ્ય ગેટ પર ફરજ બજાવતા પીએસઆઈ એમ બી કોંકણી પાસેથી ફોટો પડાવવાના બહાને સર્વિસ રિવોલ્વર માંગતા તેમણે આપી હતી. ત્યારબાદ ફિણવિયાએ સર્કિટ હાઉસના ગ્રાઉન્ટ ફ્લોરના પેસેજ પાસે કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઉપરી અધિકારીઓના દબાણ અને હેરાનગતિના કારણે તેમણે આત્મહત્યા કરી હતી. ઘટનાને પગલે નવસારી પોલીસના અધિકારીઓ પણ બંદોબસ્તમાંથી ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.

મહત્વનું છે કે, નિલેશ ફિણવીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ગત 6 સપ્ટેમ્બરના રોજ જ ફરજ પર પરત હાજર થયાં હતાં. હાજર થયાં બાદ પોલીસ હેડક્વાર્ટરમાં તેમને ફરજ સોંપવામાં આવી હતી. તાજેતરમાં જ ગણપતિ વિસર્જન દરમિયાન સારી કામગીરી કરવા બદલ તેમને નવસારી જિલ્લા પોલીસ તરફથી પ્રશંસાપત્ર આપી એલઆરબીમાં મુકવામાં આવ્યાં હતાં.