વારાણસીમાં નામાંકન પહેલાં PM  મોદીનો ભવ્ય રોડ-શો

વારાણસીઃ વડા પ્રધાન મોદીનો વારાણસીમાં ભવ્ય રોડ-શો યોજાયો છે. વડા પ્રધાનના સ્વાગત માટે વારાણસી સંપૂર્ણ રીતે સજ્જ છે. તેઓ આવતી કાલે સંસદીય સીટથી નામાંકન કરશે. વડા પ્રધાન મોદી લોકસભા ચૂંટણી માટે ત્રીજી વાર અહીંથી ચૂંટણી મેદાનમાં છે. તેમની સાથે UPના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ આ રોડ-શોમાં સામેલ છે. વારાણસીમાં સાતમા તબક્કામાં એક જૂને મતદાન થશે.

વડા પ્રધાન મોદીનો રોડ-શો યોજવા માટે ભાજપે મોટી તૈયારી કરી છે. વડા પ્રધાનનો પાંચ કિલોમીટર રોડ-શોનો પ્રારંભ બનારસ યુનિવર્સિટી (BHU)ના ગેટના ચાર રસ્તાથી થયો હતો. આ રોડ-શોમાં 5000થી વધુ મહિલાઓ ભાગ લઈ રહી છે. ભાજપના કાર્યકર્તાઓ પણ આ રોડ-શોમાં જોડાશે. આ રોડ-શો કાશી વિશ્વનાથ ધામના ગેટ નંબર ચાર પર પૂરો થશે. જિલ્લા વહીવટી તંત્રએ રોડ-શો માટે કડક સુરક્ષા-વ્યવસ્થા કરી છે.  

વડા પ્રધાન મોદીએ રોડ-શો પહેલાં વારાણસીમાં પંડિત મદન મોહન માલવીયની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે રોડ-શો શરૂ કર્યો હતો.  તેમનો રોડ-શોને આકર્ષક બનાવવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. તેમના રોડ-શોમાં માનવ મહેરામણ ઊમટી પડ્યો છે.

બનારસના લોકોએ જણાવ્યું હતું કે ચારે બાજુ વડા પ્રધાને વિકાસ કાર્યો કર્યાં છે. રસ્તા, વીજ, પાણી સહિત અનેક વ્યવસ્થાની ખુદ તેઓ નિગરાની કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે દેશના વિકાસ માટે ટેક્સ આપવો જરૂરી છે. વડા પ્રધાન મોદી સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની સાથે કામ કરી રહ્યા છે.