કાશી વિશ્વનાથ ધામના સેવાર્થીઓ માટે ખાસ શણનાં-પગરખાં

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ ધામ મંદિરમાં કર્મચારીઓ ખુલ્લા પગે સેવા બજાવે છે, કારણ કે મંદિર પરિસરમાં ચામડા કે રબરમાંથી બનાવેલા પગરખાં પહેરવાની મનાઈ છે. આ વાતની જાણ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મચારીઓ માટે ખાસ શણમાંથી બનાવેલા પગરખાં મોકલ્યા છે. એમણે તેવા પગરખાંની 100 જોડી મોકલી છે. આને કારણે હવે કર્મચારીઓને કાતિલ ઠંડીમાં ખુલ્લા પગે સેવા કરવી નહીં પડે અને એમને ઘણી રાહત થશે. મંદિરમાં પૂજારીઓ, સેવા બજાવતાં લોકો, સુરક્ષા ચોકિયાતો, સફાઈ કામદારો તથા અન્યો માટે મોદીએ શણનાં બનાવેલા પગરખાં મોકલ્યા છે. કાશી વિશ્વનાથ ધામમાં ચાલી રહેલા કાર્ય વિશે પીએમ મોદી કેટલી બારીક વિગતો પર ધ્યાન આપે છે અને ગરીબ લોકો પ્રત્યે એમને કેટલી ચિંતા છે તેનો આ એક વધુ પુરાવો છે.

મોદીએ કાશી વિશ્વનાથ ધામના પ્રથમ તબક્કાનું તાજેતરમાં લોકાર્પણ કર્યું હતું. આ મંદિર સંકુલ પાંચ લાખ સ્ક્વેર ફીટ વિસ્તારમાં પ્રસરેલું છે. સમગ્ર સંકુલમાં 40 મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને સુશોભિકરણ કરવામાં આવ્યું છે. આ મંદિર પરિસરની મુલાકાત લેનાર ભક્તોને વ્યાપક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા માટે સમગ્ર યોજના અંતર્ગત 23 નવા મકાનો બાંધવામાં આવી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટનો શિલાન્યાસ પીએમ મોદીએ 2019ની 8 માર્ચે કર્યો હતો.