નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કરીને ભારે ચર્ચા જગાવી છે. તેમણે 2 માર્ચના મોડી સાંજે એક ટ્વીટ કરીને સોશિયલ મીડિયા છોડવાની વાત કરી છે. PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું- આ રવિવારે વિચારી રહ્યો હતો કે મારા ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા અકાઉન્ટ છોડી દઉં. તમને તેના વિશે માહિતી આપીશ. આ ટ્વિટ કર્યા બાદ યુઝર્સે પણ સવાલોનો મારો ચલાવ્યો હતો. લોકો પીએમ મોદીને વિનંતી કરી રહ્યા છે કે, તે આવું ન કરે આ સાથે જ ટ્વિટર પર #NoModiNoTwitter હેશટેગ ટોપ ટ્રેન્ડ રહ્યો.
જોકે, પીએમ મોદીના બીજા ટ્વીટ સાથે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. પીએમ મોદીએ લખ્યું કે, આ મહિલા દિવસે હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને એ મહિલાઓને સોંપી દઈશ, જેમની જિંદગી અને જેમનું નામ આપણા બધાને પ્રરિત કરે છે. આ મહિલાઓ લાખો લોકોને પ્રોત્સાહિત કરી શકશે. જો તમે પણ આવી મહિલા છો કે બીજા માટે પ્રેરણા બનનારી મહિલાઓ વિશે જાણો છો તો તેમની કહાની SheInspiresUs પર શેર કરો.
અહીં કેટલાક ટ્વીટ આપને દેખાડી રહ્યા છીએ જે જોઈને તમેન પણ ખ્યાલ આવી જશે કે મોદીની લોકચાહના કેટલી છે. તમે પણ #NoModiNoTwitter પરથી અનેક મજેદાર ટ્વીટ જોઈ શકો છો.
મહત્વનું છે કે, ટ્વિટર પર નરેન્દ્ર મોદીના 5 કરોડથી વધારે ફોલોઅર્સ છે. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ 52 લાખ અને ફેસબુક પર 4 કરોડ 45 લાખ ફોલોઅર્સ છે. યુટ્યુબ પર તેમની ચેનલને ચાલીસ લાખથી વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી છે.