પણજી (ગોવા): ‘અતિથિ દેવો ભવ’ દ્રષ્ટાંત આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 સમૂહના પ્રતિનિધિઓને 2024ની લોકસભા ચૂંટણી વખતે ‘લોકશાહીની જનની’ સમાન દેશ ભારત આવવા અને લોકશાહીનો મહોત્સવ નિહાળવાનું આજે આમંત્રણ આપ્યું છે.
મોદીનો એક રેકોર્ડેડ મેસેજ આજે ગોવામાં જી-20 ટૂરિઝમ પ્રધાનોની બેઠકના ઉદઘાટન સત્ર વખતે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. એમાં વડા પ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ‘પર્યટન સમાજમાં કોમી એખલાસનું સર્જન કરવા માટે સક્ષમ છે. આતંકવાદ સમાજને તોડે છે, પણ પર્યટન સમાજને જોડે છે.’
મોદીએ સંદેશમાં, જી-20 પ્રતિનિધિઓને 2024માં ભારત આવવાનું આમંત્રણ આપતાં કહ્યું કે, ‘ચૂંટણી વખતે અમારે ત્યાં 10 લાખ કરતાંય વધારે વોટિંગ બૂથ ઊભાં કરવામાં આવે છે. હું આપ સહુને ‘અતુલ્ય ભારત’ની મુલાકાતે આવવાનું આમંત્રણ આપું છું. લોકશાહીનો મહોત્સવ નિહાળવા માટે આપને માટે જગ્યાની જરાય કમી નહીં રહે. ‘(‘અતુલ્ય ભારત’ કે ‘ઈનક્રેડિબલ ઈન્ડિયા’ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પર્યટન મંત્રાલયે આદરેલી લોકપ્રિય ઝુંબેશ માટેની ટેગલાઈન છે)
