લોલીપોપ આપી કર્ણાટક ચૂંટણી જીતવાની કોશિશ કરે છે કેટલીક પાર્ટીઓઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ નમો એપ્લિકેશનના માધ્યમથી કર્ણાટક ભાજપના તમામ જનપ્રતિનિધિઓ, વિધાનસભા ચૂંટણીના તમામ ઉમેદવારો અને પદાધિકારિઓ અને કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન ઉમેદવારોને ચૂંટણી પ્રચારના મુદ્દાઓ વિશે માહિતી આપી હતી. આપને જણાવી દઈએ કે કર્ણાટકની 224 વિધાનસભા સીટો માટે 12 મે ના રોજ મતદાન થવાનું છે.

વડાપ્રધાને જણાવ્યું કે પહેલા રાજનૈતિક દળો વિકાસના મુદ્દા પર રાજનીતિ નહોતા કરતા પરંતુ જાતી-પંથ અને ધર્મના આધાર પર રાજનીતિ કરતા હતા. વડાપ્રધાને જણાવ્યું કે રાજનૈતિક દળ એક જાતિને ચૂંટણી પહેલા લોલીપોપ પકડાવતા હતા અને પછી ચૂંટણીમાં તેમનો ઉપયોગ કરતા હતા. તેમણે જણાવ્યું કે ભારતના રાજનૈતિક કલ્ચરને કોંગ્રેસના કલ્ચરથી મુક્તિ અપાવવી પડશે.

વડાપ્રધાને ઉમેદવારોને જણાવ્યું કે આપણે માત્ર વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાની છે. તમારે આ દરમીયાન સતર્ક રહેવું પડશે કારણકે રાજનૈતિક પાર્ટીઓ ભાજપ વિરૂદ્ધ જૂઠ્ઠાણું ફેલાવી રહી છે. આપણે અસત્ય સામે લડવાનું છે અને વિકાસ અને સત્યની લડાઈ પણ લડવાની છે. આજે કોંગ્રેસના કારણે રાજનીતિની છાપ ખોટી ઉભી થઈ છે. વડાપ્રધાને આ દરમિયાન ચાર વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા કર્ણાટકને આપવામાં આવેલી મદદ વિશે પણ જણાવ્યું.

ભાજપના પ્રતિનિધિઓ સાથે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે વિદેશી એજન્સીઓ દ્વારા ચૂંટણીમાં મતદાતાઓને ભ્રમીત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં માતાઓ-બહેનોને શૌચાલયથી વંચિત રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ચાર વર્ષમાં 34 લાખ શૌચાલય બનાવ્યા છે. વડાપ્રધાને જણાવ્યું કે મારા પર આક્ષેપો કરવામાં આવે છે કે મોદી માત્ર ધનાઢ્ય લોકો માટે કામ કરે છે, તો શું 34 લાખ શૌચાલયો અમીરો માટે બન્યા છે ?