‘ઔરંગઝેબ રાજ’ માટે કોંગ્રેસને અભિનંદનઃ પીએમ મોદીનો કટાક્ષ

નવી દિલ્હી – કોંગ્રેસના પ્રમુખપદે રાહુલ ગાંધીને અપેક્ષિત બઢતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઔરંગઝેબ રાજ તરીકે ઓળખાવતા કોંગ્રેસ પાર્ટીના નેતા મણીશંકર ઐયર ભડકી ગયા છે.

મોદીએ સદી જૂના કોંગ્રેસ પક્ષના વારસાગત રાજકારણ ઉપર આજે એક વધુ ટોણો માર્યો છે અને કહ્યું કે, હું કોંગ્રેસને એમના ઔરંગઝેબ રાજ માટે અભિનંદન આપું છું. અમારે મન તો લોકોની સુખાકારી હોય છે અને 125 કરોડ ભારતીયો અમારા હાઈકમાન્ડ છે.

વડાપ્રધાન મોદીએ આ કટાક્ષ આજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં એક જાહેર સભામાં કર્યો હતો.

નેશનલ હેરાલ્ડ કેસનો ઉલ્લેખ કર્યા વિના મોદીએ કહ્યું કે કોંગ્રેસે તો દેવાળું ફૂંક્યું છે, કારણ કે જે વ્યક્તિ ભ્રષ્ટાચારના કેસમાં જામીન પર છૂટેલી છે એ હવે પાર્ટીની પ્રમુખ બનવાની છે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રમુખપદ માટે આજે ઉમેદવારી નોંધાવી છે.

મોદીના કહેવાનો મતલબ 17મી સદીના મુગલ બાદશાહ ઔરંગઝેબ વિશે હતો, જે નિરંકુશ સત્તાવાદમાં માનનારો હતો. મોદીના કહેવાનો પ્રયાસ એ હતો કે કોંગ્રેસમાં પણ આંતરિક લોકશાહી જેવું કંઈ નથી.

મોદીની ટકોરને પગલે કોંગ્રેસના સિનિયર નેતા મણીશંકર ઐયરે કહ્યું કે, અમારી પાર્ટીમાં પ્રમુખપદના હોદ્દા માટે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે.