નવી દિલ્હીઃ સિગારેટના પેકેટો પર દર્શાવાય છે એ જ રીતે શરાબની બોટલો ઉપર પણ આરોગ્ય માટે હાનિકારક ચેતવણી દર્શાવવી જોઈએ એવી માગણી સાથે કોર્ટના આદેશની દાદ ચાહતી જનહિતની અરજી દિલ્હી હાઈકોર્ટમાં નોંધાવવામાં આવી છે. અશ્વિની કુમાર ઉપાધ્યાય નામના ભાજપના નેતા અને એડવોકેટે નોંધાવેલી આ અરજી પર આજે સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અને ન્યાયમૂર્તિ નીના બંસલ-ક્રિષ્નાની વિભાગીય બેન્ચે મૌખિક રીતે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે આલ્કોહોલનો ઉપયોગ ઔષધ તરીકે પણ કરાતો હોવાથી તેની બાટલીઓ પર હેલ્થ વોર્નિંગ દર્શાવવી કદાચ યોગ્ય નહીં કહેવાય.
કોર્ટે આ ઉપરાંત આરોગ્ય માટે હાનિકારક એવા નશો કરાવતા ડ્રિન્ક્સ અને ડ્રગ્સના ઉત્પાદન, વિતરણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવા અથવા નિયંત્રણ કરાવવા માટે દિલ્હી સરકારને આદેશ આપવાની માગણીને પણ નકારી કાઢી છે. જોકે ન્યાયાધીશોએ એમ કહ્યું છે કે આ બાબતમાં શું કરવું એ વિશે 4 જુલાઈએ નિર્ધારિત હવે પછીની સુનાવણી વખતે તેઓ વિચારશે.