તમે કહો છો એ લોકડાઉન ક્યાં છે? અહીં તો નથી જ!

લોકડાઉનના આ સમયગાળામાં પણ ગુજરાતમાં શહેરોમાંથી ગામડામાં અને પરપ્રાંતીયોની વતન તરફની હિજરત શરૂ થઇ ચૂકી છે.

ચિત્રલેખા ના સુરતના પ્રતિનિધિ ફયસલ બકીલી આ પરિસ્થિતિમાં સુરત શહેરથી કામરેજના રસ્તે મુસાફરી કરીને એનો જે ચિતાર વર્ણવે છે એ ઘણું બધું કહી જાય છે…. 

————————————————————

સુરત : લોકડાઉન પછી સુરત શહેરમાં તો કરફ્યુ જેવી જ સ્થિતિ જ છે. દરેક નાકે પોલીસ છે અને રસ્તા ઉપર આવશ્યક સેવાના વાહનો અને સેવામાં જોડાયેલા લોકોની સેવા કરવા નીકળેલા સમાજ સેવકો છે. મજૂર કે ભિખારી ફૂટપાથ કે બ્રિજની નીચે રહેતા નિરાધારો ભૂખ્યા સૂઈ ન જાય તેની ચિંતા કરતા લોકો સતત ફરતા રહે છે, પણ શહેરમાં નીરવ શાંતિ છે, અજંપાભરી શાંતિ.

પણ જેવા તમે સુરતના જ એક બીજા ખૂણામાં પહોંચો તો આ જ નીરવ શાંતિ એક અલગ જ પ્રકારના અજંપા અને કોલાહલમાં બદલાઈ જાય છે. આ વિસ્તાર છે વરાછા રોડનો. મહત્તમ સૌરાષ્ટ્રવાસીઓના આ વિસ્તારમાં રસ્તાની એક તરફ લોકો સતત ચાલી રહ્યા છે. કામરેજ તરફ જતા લગભગ 15 કિલોમીટર લાંબા આ માર્ગ ઉપર લોકોનું કિડિયારું ઉમટયું છે જાણે.

હ્યદયને હચમચાવી દે એવા દ્રશ્યો છે. આખે આખા પરિવાર પગપાળા ચાલે છે. માથે સામાન છે, કોખમાં બાળક છે ને વાટ વતનની છે. રસ્તામાં સેવાભાવી લોકો આ પદયાત્રીઓને પાણીની બોટલ આપે છે, નાસ્તો ય આપે છે. સખત ગરમી છે એટલે નાના વરાછાના મુસ્લિમો લીંબુ સરબત પીવડાવે છે. આવું આખા રસ્તે છે, નેશનલ હાઇવે ઉપર પણ. સુરતની અંદર વરાછા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રસ્તે ચાલતા લોકોને જે વાહન મળે તેમાં બેસાડી કામરેજ પહોંચાડવામાં મદદ કરે છે. લોકોને નાકે ભેગા કરીને ચાલતા ન જવા પણ તાકીદય કરે છે, પણ લોકો રોકાતા નથી. એમણે તો ચાલીને કામરેજ પહોંચવું છે.

કામરેજ જ કેમ?

કામરેજ એ નેશનલ હાઇવે પર આવેલું સુરતનું પ્રવેશદ્વાર છે. ચાલતા જનારા લોકોને આશા છે કે એ કામરેજ પહોંચશે તો એમને કોઈ ને કોઈ વાહન એમના વતન જવા માટે મળી રહેશે. આ વતન એટલે મોટાભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત. કોઈને સૌરાષ્ટ્રના અમરેલી કે ભાવનગર જવું છે તો કોઈ દાહોદનું છે એને દાહોદ તરફ જવું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે બિહારના લોકો પણ એમાં છે. બધા એક જ આશા અને આસમાં કામરેજ પહોંચી રહ્યા છે કે એમને ત્યાંથી કોઈ વાહન મળી રહેશે.

ના, એમને સરકારી જાહેરાત, આર્થિક પૅકેજ, વડાપ્રધાન કે મુખ્યમંત્રીની ઘરે રહેવાની અપીલ એ કશાની ખબર નથી. કાં તો એમને એના પર ભરોસો ય નથી અને એની પડી ય નથી. એમને તો ભરોસો છે વતન પર. વતનમાં વસતા પરિવાર પર. એ કોઈ વાતે અટકવા તૈયાર જ નથી. કામ બંધ છે તો ખાઈશું શું? એ ચિંતા જ એમને સતત ચાલતા રાખે છે. રસ્તામાં સેવા કરતા સેવાભાવી સમાજના લોકો એમને કેટલા દિવસ ખવડાવશે એ પણ પ્રશ્ન છે, જે એમના મનમાં સતત ઉઠે છે.

આ કાફલામાં ફક્ત ચાલીને જતા લોકો જ નથી, વરાછા રોડ ઉપર અમને મોટર સાયકલ ઉપર જતા અનેક લોકો પણ મળ્યા. આગળ પેટ્રોલની ટાંકી ઉપર બાળક બેઠું હોય, પાછળ પતિ-પત્ની વચ્ચે કે પત્નીના હાથમાં નાનું બાળક હોય. પાછળ એક બેગ બાંધી છે એટલે પ્રવાસ લાંબો છે એની ખાતરી થાય છે. આખાને આખા પરિવાર અને મિત્રો ગ્રુપ બનાવીને માદર-એ-વતન જઈ રહ્યા છે.

વળી, ચાલતા જતા શ્રમજીવી લોકોની સરખામણીએ આ બધા તો નોકરી કરીને જીવતા લોકો છે. આર્થિક સંકડામણ ય એટલી બધી નથી કે પલાયન કરવું પડે. આમ છતાં, બધા રસ્તા ઉપર આવી ગયા છે. સેંકડો બાઈક નીકળી પડી છે, સૌરાષ્ટ્ર તરફ જવા.

અમે એક ગ્રુપ સાથે વાત કરી. એ 12 પરિવાર હતા. બધા જ શિક્ષિત. નામ પૂછ્યું તો પત્રકાર છે એમ જાણીને વિગત ના આપી, પણ એ ભાઈ વ્યવસાયે વરાછા રોડની એક ખાનગી શાળાના શિક્ષક છે. પત્ની અને માત્ર બે વર્ષની બાળકીને લઈને સુરતથી બગસરા જવા, લગભગ 475 કિલોમીટરનું અતર કાપવા નીકળ્યા છે. આવા સેંકડો પરિવારો જીવ બચાવવા જીવના જોખમે હાઇવે ઉપર રાત્રિ મુસાફરી કરી રહ્યા છે. આ વાત 1994ના ‘પ્લેગ’ની યાદ અપાવે છે, જ્યારે લોકો આવી જ રીતે સુરતને છોડીને જતા રહ્યા હતા.

કામરેજ ચાર રસ્તા ઉપર પહોંચીને જે દ્રશ્યો નજર સામે આવ્યા એ સાથે તો મન ખીન્ન થઇ જાય એમ હતું. નિર્ધનો, શ્રમજીવી, ગરીબ, લાચારની લાચારી અને નિઃસહાયતા શું હોય એની ખબર ના હોય તો અહીં આવીને જોઇ લ્યો. બધું ગુમાન ઉતરી જશે. જેના ખભે ઉભા રહીને સુરત બીજા કરતા ઊંચું દેખાઈ છે, ખૂબસુરત બન્યું છે એ મજૂરોને જોનાર કે મુશ્કેલીના આ સમયમાં એમને હૂંફ આપનાર જાણે કોઈ જ નથી!

હીરા ઉદ્યોગમાં તો મહત્તમ લોકો સૌરાષ્ટ્રના છે, પણ એ સિવાય કાપડ અને બાંધકામ ઉદ્યોગ સહિતના વ્યવસાયના લોકો પણ આ રસ્તા ઉપર આવી ગયા છે. કેવી રીતે એ લોકો પહોંચશે એની ન તો એમને કોઇ ખબર છે કે ન તો કોઇ સમજ. હાઇ વે ઉપર નીકળતા દરેક વાહનને એ પૂછે છેઃ ક્યા જવાનું છે? પોતાના વતનના દિશા દેખાય એટલે ચડી જવાનું. એક બંધ ટ્રકમાં અનેક લોકો પરિવાર સાથે બેસી રહ્યા છે. મેં પૂછ્યું તો કહે મુરાદાબાદ (ઉત્તરપ્રદેશ) સુધી જશે. ખીચોખીચ ભરેલી ટ્રક. ન હવા. ન ઉજાસ. આવી રીતે એ લોકો 1300 કિલોમીટર પ્રવાસ કરશે. સાથે જેટલું ભોજન-પાણી હશે એના આધારે.

સવાલ એ છે ક્યાં છે લોકડાઉન? ક્યાં સંતાઇ ગયા છે વારે-તહેવારે સામાજિક મેળાવડાઓમાં ગાજતા સુરતના ભામાશાઓ?

લોકડાઉન, સરકાર અને આ ભામાશાઓ-આ ત્રણેયની અહીં ગેરહાજરી છે. કોઈએ એમને અટકાવ્યા જ નહીં હોય એટલે જ હાઈવે સુધી પહોંચી ગયા. ઉંચી ઈમારતો બનાવનાર મજૂરો રસ્તે છે એમને આ મૂક લોકસેવકોની રસ્તે મળતી સહાય છે, બસ. પોલીસકર્મીઓ બહુ સંયમથી આ મજબૂરોને મદદ કરી રહ્યા છે. એ રસ્તેથી પસાર થતા વાહનોને ઉભા રાખીને લોકોને બેસાડવાનું કામ કરે છે.

સ્થિતિ બહુ કફોડી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ કે લોકડાઉન અમને આ ૩૦ કીલોમીટરની યાત્રામાં જોવા ન મળ્યું. જોવા મળી તો લોકોની લાચારી અને માનવતા. આ બધામાં સરકાર તો ક્યાંય દેખાતી જ નથી. વારતહેવારે પોતાને “ભામાશા” જેવા કે એનાથી પણ મોટા દાનવીર હોવાના ગાણા મીડિયા પાસે ગાતા સમાજસેવકો તો અત્યારે જ સોશિયલ ડિસ્ટન્સિંગમાં છે. એસી ઓરડામાં પૂરાઈ ગયેલા શહેરના આ કહેવાતા ભામાશાઓમાંથી ક્યાંય કોઈ મદદ માટે આગળ આવ્યુ હોવાનું દેખાતુ નથી. એ લોકો ભૂલી ગયા છે કે લોકડાઉન પછી આ મજૂરો જ એમના માટે મજૂરી કરીને કરોડો કમાઈને આપશે. આજે એમને જરૂર છે ત્યારે જો એમને નહીં સાચવો તે એમની અને એમના પરિવારની કકડતી હોજરી એમને માફ નહીં જ કરે.

અને, આ સ્થિતિ કંઈ એકલા સુરત નજીકના હાઈવેની નથી, સમગ્ર દેશમાં છે. મજબૂરી બહુ સમાજવાદી હોય છે. બધા ગરીબો માટે એકસરખી લાગુ થાય છે. બધા માલેતુજાર, સામાજીક આગેવાનો ચૂપ છે અને એમના જ સમાજના લોકો રસ્તા ઉપર છે. અજબનો સામાજિક ખેલ છે, કરૂણા અને કરુણતાથી ભરેલો ખેલ.