લોકડાઉનમાં ઘરે બેઠાં ફિટનેસ તાલીમ!

અમદાવાદઃ કોરોના વાયરસ તીવ્ર ગતિએ ભારતમાં ન ફેલાય એ માટે લોકોને ઘરમાં જ રહેવા અનુરોધ કરાયો, વિનંતીઓ કરાઇ અને ક્યાંક કાયદાની કડકાઇ પણ જોવા મળી. એક તરફ ચેપી રોગનો ભય બીજી તરફ, નવરાશ અને ખાલીપો માણસોને વિચલિત કરી નાંખે છે.  જોકે આવા કપરા સમયનો ય કેટલાક લોકો યોગ્ય ઉપયોગ કરી સમય વ્યતિત કરે છે. મનની શાંતિ અને તંદુરસ્ત રહેવા મોટી સંખ્યામાં લોકો યોગા અને પ્રાણાયામ કરતા હોય છે.

સમાજનો એક વર્ગ એવો છે જે જીમમાં જાય છે, પર્સનલ જીમ ટ્રેઇનર પણ રાખે છે. વર્તમાન પરિસ્થિતિમાં જીમ અને ફિટનેસ સેન્ટરો બંધ છે. પણ તન મનને સજ્જ રાખવા કેટલાક લોકો પોતાના અંગત ફિટનેસ ટ્રેઇનર પાસેથી ઓનલાઈન માર્ગદર્શન મેળવી રહ્યા છે. વ્હોટસેપ વિડીયો કોલિંગ જેવી એપની મદદથી ટ્રેઇનરની સૂચના પ્રમાણે કસરતો કરી ફિટનેસની જાળવણી કરી રહ્યા છે.

અમદાવાદમાં છેલ્લા સાત વર્ષ કરતા વધારે સમયથી ફિટનેસ ટ્રેઇનર તરીકે કામ કરતાં સાહિબસિંહ ચિત્રલેખા. કોમ ને જણાવે છે કે, અત્યારે દિવસ દરમિયાન દસ કરતાં વધારે લોકોને વિડીયો કોલિંગ કરી ટ્રેઇનિંગ આપુ છું.  જીમ ચાલુ હોય ત્યારે, સામાન્ય દિવસોમાં મોટી સંખ્યામાં લોકોને પર્સનલ ટ્રેઇનિંગ પણ આપું છું. અત્યાકે કોરોનાની દહેશત અને સામાજિક અંતર રાખવાની પરિસ્થિતિમાં  મોબાઈલના માધ્યમથી ક્લાયન્ટસને તંદુરસ્ત રાખવા પ્રયાસ કરું છું. વિડીયો ફોન કરી મારી સૂચના અને પધ્ધતિ પ્રમાણે લોકો શરીરની માવજત કરે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)