ટ્વિટર પર માનવતાનો ટહુકો થયો ને…

અમદાવાદ: આફત, એ પછી કુદરતી હોય કે માનવસર્જિત, હંમેશા માનવતાના મૂલ્યોને કસોટીની એરણે મૂકે છે. આવા સમયમાં માનવીય વર્તનના બન્ને સ્વરૂપ જોવા મળે છેઃ સારા અને નરસા.

આપણે ભૂતકાળમાં પણ આ જોયું છે. પ્લેગ હોય કે વાવાઝોડું, કચ્છનો ભીષણ ધરતીકંપ હોય કે કોમી રમખાણો, નરસા ઉદાહરણોના વચ્ચે, કપરામાં કપરા સમયમાં પણ કેટલાક એવા સુખદ અપવાદો જોવા મળે છે, જેમાં એક માણસ નાત-જાત-રાગ-દ્વૈષ એ બધું ભૂલીને બીજા માણસને મદદ કરવા નીકળી પડે છે.

આવું જ એક ઉત્તમ ઉદાહરણ હમણાં અમદાવાદમાં જોવા મળ્યું. થયું એવું કે, સમાજ માટે નિસબત ધરાવતા અમદાવાદના કેટલાક યુવાન મિત્રો કુમાર મનીષ, માધીશ પરીખ, નદીમ જાફરી, રાકેશ ગોસ્વામી, રિતેશ શર્મા અને અમદાવાદ ગ્લોબલ શેપર્સ નામના સંગઠનના કેટલાક વોલન્ટીઅર્સ મિત્રોનું એક ગ્રુપ છે. આ ગ્રુપ સોશિયલ મિડીયામાં પણ ખાસ્સું એવું સક્રિય. સોશિયલ મિડીયાની આ એક એવી કમ્યુનિટી છે, જે આ મિડીયાના ઉપયોગથી સમાજમાં કાંઇક સારૂં થાય એ માટે સતત પ્રયત્નશીલ હોય છે.

આ મિત્રોને વિચાર આવ્યો કે, એકવીસ દિવસના આ લોકડાઉન સમયમાં જે લોકો ખાધેપીધે સુખી-સંપન્ન છે એમને તો વાંધો નહીં આવે, પણ રોજનું લાવીને રોજ ખાનારા ગરીબ-મજદૂર વર્ગનું શું? કામધંધા તો ઠપ્પ છે એટલે આવકનો તો સવાલ જ નથી. આ વર્ગ બિચારો જશે ક્યાં? એમણે તો કોરોના અને ભૂખ એમ બન્ને મોરચે લડવાનું હતું…

એમના માટે આ યુવાનોએ સોશિયલ મિડીયામાં એક નવો મોરચો ખોલ્યો- ક્રાઉડ ફંડીગનો. #Ahmedabadfightscorona નામે હેશટેગ ક્રિએટ કરીને એમણે ટ્વિટર પર લોકોને ડોનેશન આપવા માટે અપીલ કરી. જોતજોતામાં ટ્વિટર પર આ મેસેજ વાઇરલ થયો અને ડોનેશન આવવાનું શરૂ થયું. કુમાર મનીષ ચિત્રલેખા.કોમ ને કહે છે એમ, ‘ફક્ત 48 કલાકમાં જ એમની પાસે રૂપિયા 1.35 લાખનું ફંડ એકત્રિત થઇ ગયું. આ ડોનેશન ઇન્કમટેક્સની કલમ 80-G હેઠળ કરમુક્તિને પણ પાત્ર છે.’

આ બધા જ મિત્રો વળી પાછા કોઇક ને કોઇક સ્વયંસેવી એટલે વોલન્ટીઅર્સ ગ્રુપ સાથે ય જોડાએલા છે એટલે જોતજોતામાં આવા સેવાભાવી સ્વયંસેવકોની ટીમ ય તૈયાર થઇ ગઇ. અમદાવાદ શહેર અને નજીકના વિસ્તારોમાં ક્યાંયથી પણ મેસેજ આવે કે, આ જગ્યાએ કોઇ પરિવારને રાશનની જરૂર છે તો તરત જ નજીકના સ્થળેથી એમને રાશન અથવા તો તૈયાર ફૂડ પહોંચી જાય.

પછી તો બસ, ટ્વિટર પર જેમ જેમ વાત ફેલાતી ગઇ એમઃ લોગ જુડતે ગયે, કારવાં બનતા ગયા…

જો કોઇ એમાં પોતાનો ફાળો આપવા માગતા હોય તો આ લિન્કનો ઉપયોગ કરી શકે છેઃ

www.bit.ly/helpahmedabad

PayTM: 9016558924

Paypal: connect@madhish.com

વેલ, ટ્વિટર જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ પણ થઇ શકે એ વાત તો આ ઉદાહરણમાંથી શીખી જ શકાય છે, સાથે સાથે આ મિત્રો અને મુશ્કેલીના સમયમાં આવા જરૂરિયાતમંદોને મદદ કરતા એમના જેવા બીજા અનેક લોકો એ વાત પણ પૂરવાર કરે છે કે, આફતના સમયમાં એક માણસ બીજા માણસને કોઇપણ સ્વાર્થ વિના મદદ કરે એનાથી ઉત્તમ માનવીય ઘટના બીજી કોઇ ન હોઇ શકે.