સાહેબ, મને સતત એવો ભાસ થાય છે કે…

રાજકોટઃ: કોરોના વાયરસ તો માણસના શારીરિક સ્વાસ્થ્યનો શત્રુ છે પણ જે સ્થિતિ સર્જાઇ છે એને લીધે ધીમે ધીમે લોકોને માનસિક અસર પણ થઇ રહી છે. કાલ્પનિક ભય, સતત ચિંતા જેવી માનસિક પ્રક્રિયાઓમાં વધારો થયો છે. રાજકોટના મનોચિકિત્સકોના ફોન પર કે હોસ્પિટલમાં આવા કિસ્સા ધીમે ધીમે વધી રહ્યા છે.

પોલીસ કર્મચારી પણ ડર્યા

રાજકોટ નજીકની ઔદ્યોગિક વસાહતમાં ફરજ પર રહેલા ગ્રામ્ય પોલીસના એ કર્મચારી આજે સવારે મનોચિકિત્સક ડો. વિજય નાગેચાની હોસ્પિટલે ગયા હતા. એણે કહ્યું. ડોક્ટર સાહેબ મને ખૂબ ડરામણા વિચાર આવે છે. આંખ બંધ કરું તો ય અને ખુલ્લી આંખે પણ મને એમ ભાસ થાય છે કે ગામમાં, રસ્તા પર, શેરીમાં પોલીસની લાશો જ પડી છે……ડોક્ટરે પૂછ્યું આવું કેમ થાય છે? તો કહે, અમને ડ્યૂટી કરવામાં કોઇ વાંધો નથી. તહેવારોમાં પણ કરીએ જ છીએ. પણ સાહેબ, અત્યારે બહાર નીકળવાની મનાઇ છે તો ય લોકો નીકળે છે. એમને ક્ન્ટ્રોલ કરવા અધરું કામ છે.

એ કહે, કારખાનામાં કામ કરી રહેલા પંદર મજુર ગઇકાલે આવ્યા, અમને કહે જમવાની વ્યવસ્થા કરી દો. સાહેબ અમે પોલીસ સ્ટેશનમાં ક્યાંથી જમવાનું બનાવીએ, બધા બંદોબસ્ત કર્યા છે પણ આમાં બીક લાગે છે.

સાઇકિયાટ્રીની પરિભાષામાં એને ફોબેટિક એન્કઝાઇટી કહેવાય છે. એટલે કાલ્પનિક ભયને લીધે વધતી ચિંતા. પરંતુ દવા માટે લોકોની જાગૃતિ કેવી હોય એવા ખલા પણ બની રહ્યા છે.

સાઇકલ પર 150 કીલોમીટર દૂરથી રાજકોટ આવ્યા

આ જ ડો. નાગેચાને ત્યા ગઇકાલે સવારે સાડા નવ વાગ્યે દરદી આવ્યા. પેશન્ટ તો પત્ની છે પરંતુ દર વખતની જેમ એના પતિ એને લઇને આવ્યા. ડોક્ટરને તો ખબર કે આ તો બહારગામ થી આવે છે. પૂછ્યું, તમે આવ્યા કેવી રીતે? વાહનો તો બંધ છે. પેલો ભાઇ કહે, સાહેબ સાઇકલ ઉપર…..આને હિંમત કહેવી? પ્રેમ કહેવો કે ચિંતા? આ દરદી પોરબંદર પાસેના કુતિયાણા ગામ નજીકના નાના એવા ગામડાં તરખાઇથી આવ્યા હતા અને એ પણ સાઇકલ પર, ડબલ સવારી. સાથે હતી પાણીની એક પ્લાસ્ટીક બોટલ. ખબર હતી કે રસ્તામાં કંઇ ખાવાનું પણ નહોતું મળવાનું અને કોઇ સેવા પણ નહોતું કરવાનું. રાત્રે બે-અઢી વાગ્યે એ બન્ને સાઇકલ પર નીકળ્યા. સવારે અહીં પહોંચ્યા. દવા લઇને જતા રહ્યા. આશરે દોઢસો કીલોમીટરનું આ અંતર છે. (ગૂગલ કહે છે 162 કીલોમીટર થાય.)

હું મરી જઇશ તો દીકરીનું શું થશે?

રાજકોટના અન્ય સિનિયર સાઇકિયાટ્રીસ્ટ ડો.પરેશ શાહનો ફોન ગઇકાલે રણક્યો. સાહેબ, રણુજાથી બોલું છું. (રાજકોટ નજીકનો વિસ્તાર) મને બહુ બીક લાગે છે. મારે ત્રણ વર્ષની દીકરી છે. મને કોરોનાની અસર થશે અને હું ગુજરી જઇશ તો એનું શું થશે, ફોન પર ડોક્ટર દવા લખાવે છે. અને કહે છેઃ બહેન શાંત થાઓ. કંઇ નહીં થાય. તમે બસ સરકારના આદેશનું પાલન કરો. તકેદારી રાખો. બહાર ન નીકળતા. ડરવાની જરુર નથી.

ડો.પરેશ શાહ ચિત્રલેખા.કોમ સાથે ત કરતાં કહે છે. શહેરી વિસ્તાર કે નગરોમાં ધીમે ધીમે આવા કિસ્સા વધી રહ્યા છે. હમણાં એક દરદીનો ફોન હતો કે હું બાબરાથી આવ્યો છું. મને પોલીસે રોક્યો છે. પછી મેં પોલીસ સાથે વાત કરી અને કહ્યું કે પેશન્ટ છે. એને જવા દો. એની પણ આ જ તકલીફ હતી. સતત ચિંતા. લોકડાઉન અનિવાર્ય છે. પરંતુ જેમને નવરા રહેવાની ટેવ જ ન હોય એમને આવું થાય. મગજ નવરું પડે એટલે રિપિટ એન્કઝાઇટી-સતત એકના એક વિચાર આવ્યા કરે એવું થાય. ઘણા લોકો એવા છે જેઓ સતત હાથ ધોયા રાખશે. અમારી ભાષામાં એને ઓબ્સેઝિવ કમ્પલઝીવ ડીસઓર્ડર કહેવાય. જરુર હોય કે ન હોય એ હાથ ધોવે, રુમાલથી હાથ સાફ કરે…

એક તો કામ કરતા હોય એના બદલે સતત નવરા થઇ જવું અને એમાં વળી આ વાતાવરણ અને સતત એક જ વાત. એટલે અસર વધારે થાય. કોરોના,કોરોના…સતત વાંચી સાંભળીને મન પર એની અસર થયા વગર ન રહે. અત્યારે હોસ્પીટલ તો બંધ છે. અમે સરકાર પાસે ટેલિમેડીસીનની મંજુરી માંગી છે.

અત્યારે શું કરવું?

  • – બને તો કોરોનાને લગતા સમાચારો ઓછા જોવા-વાંચવા
  • – કોમેડી સિરીયલ જોવી.
  • – સોસિયલ મીડિયા પર પણ કોરોનાને લગતા સમાચારો-વિગતો કરતાં અન્ય બાબતો વાંચવી
  • – હસવાથી મગજમાં એન્ડોર્ફીન વધે જે ડીપ્રેશન દુર કરે છે.
  • – સંગીત સાંભળવું.
  • – શક્ય હોય તો ખુલ્લામાં-અગાસીમાં થોડો સમય ગાળવો, ચાલવું.

 

(જ્વલંત છાયા-રાજકોટ)