નવી દિલ્હીઃ દેશમાં સાયબર ઠગોએ લોકોને છેતરવા માટે નવો પ્રકાર શોધી કાઢ્યો છે. તેઓ ઘેર બેઠા પૈસા કમાવાની લાલચ આપીને લોકોને લાખોનો ચૂનો લગાવી રહ્યા છે. સાયબર ઠગો મોબાઇલ ફોન કરીને OTP જાણ્યા પછી બેન્ક ખાતામાંથી પૈસા કાઢી લે છે, પરંતુ એ પ્રકાર જૂનો થઈ ગયો છે. હવે સાયબર ઠગ લોકોએ છેતરવા માટે મુવી રિવ્યૂઝ અને યુટ્યુબ પર વિડિયો લાઇક કરવાના બદલામાં પૈસા આપવાની લાલચ આપીને છેતરી રહ્યા છે.
દિલ્હીની પાસે નોએડાની રહેવાસી 42 વર્ષીય મહિલાને એક વોટ્સએપ પણ અજાણ્યા નંબરથી એક મેસેજ આવ્યો, જેમાં લખ્યું હતું કે તેને યુટ્યુબ પર કેટલાક વિડિયો લાઇક કરવાનો રહેશે, એને પ્રત્યેક વિડિયોના રૂ. 50 મળશે. ત્યાર બાદ મહિલાએ બતાવવામાં આવેલો વિડિયો લાઇક કર્યો, જે પછી એને પૈસા આપવામાં આવ્યા હતા. મહિલાનો વિશ્વાસ જીત્યા પછી એક ટેલિગ્રામ ગ્રુપમાં જોડવામાં આવી હતી, જ્યાં પહેલેથી કેટલાય સભ્યો હતા. એ મહિલાને ત્યાં સુધી માલૂમ ના પડ્યું, જ્યાં સુધી તે સાયબર ઠગોની જાળમાં ફસાઈ ગઈ હતી.
એક દિવસ ગ્રુપના કોઓર્ડિનેટરે મહિલાને કહ્યું હતું કે તેણે રૂ. 25,000 આપવા પડશે, જેના બદલામાં તેને વધુ નફો મળશે. ત્યાર બાદ તેની પાસેથી રૂ. 1.17 લાખ વધુ માગવામાં આવ્યા, ત્યાર બાદ મહિલાને કહેવામાં આવ્યું હતું કે તેણે ખોટો વિડિયો લાઇક કરી દીધો છે, જેને કારણે ટેલિગ્રામ ગ્રુપના બધા સભ્યોના પૈસા ડૂબી ગયા છે. મહિલાનું કહેવું હતું કે તેની પાસેથી અલગ-અલગ કરીને કુલ રૂ. 13.32 લાખ વસૂલવામાં આવ્યા હતા.
સરળતાથી પૈસા કમાવાની લાલચ આપીને સાયબર ઠગો એવા લોકોને નિશાન બનાવે છે, જે સોશિયલ મિડિયા પર બહુ વધુ સક્રિય રહે છે. હાલ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં લોકો આ રીતે વધુ લોકો ફસાઈ રહ્યા છે. આ રીતે વિડિયો લાઇક કરીને રૂ. 50ની લાલચ આપીને સાયબર છેતરપિંડી આચરવામાં આવે છે.