પુણેમાં એક-સપ્તાહ માટે આંશિક, દુર્ગમાં સંપૂર્ણ લોકડાઉન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સૌથી વધુ 81,000થી વધુ કેસ નોંધાયા છે અને 469 દર્દીઓનાં મોત થયાં છે. દિલ્હી સરકારે ઇમર્જન્સી મીટિંગ બોલાવી છે. મહારાષ્ટ્રના પુણેમાં ત્રીજી એપ્રિલથી 12 કલાકનો રાત્રિ કરફ્યુ લગાવવાનું એલાન કરવામાં આવ્યું છે. પુણેમાં કોરોના કેસોમાં વધારો થતાં પુણે વહીવટી તંત્રએ શહેરમાં આંશિક લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય દેશમાં કોરોના રસીકરણ ઝુંબેશ ઝડપી બનાવવામાં આવી છે. અત્યાર સુધી છ કરોડથી વધુ લોકોને કોરોના વાઇરસની રસી લાગી ચૂકી છે.

પુણેમાં સાત દિવસ આંશિક લોકડાઉન

પુણેમાં સાત દિવસ માટે આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ આંશિક લોકડાઉન આવતી કાલથી લાગુ થશે. પુણે વહીવટી તંત્રએ નિર્ણય કર્યો છે કે સાંજ છ કલાકથી સવારે છ કલાક સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. પુણેમાં સાત દિવસ માટે હોટેલ, સિનેમા હોલ અને રેસ્ટોરાં બંધ રહેશે. આગામી સાત દિવસ સુધી શહેરમાં બચસેવા પણ બંધ રહેશે.

છત્તીસગઢના દુર્ગમાં સંપૂર્ણ લોકડાઉન

છત્તીસગઢના દુર્ગ જિલ્લાંમાં છ એપ્રિલથી 14 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વધતા કેસોને જોતાં રાજ્યમાં ફરી એક વાર લોકડાઉન સાગે એવી શક્યતા છે. રાજ્યના કેટલાય જિલ્લાઓમાં રાત્રિ કરફ્યુ અને આંશિક લોકડાઉન લાગેલું છે. રાજ્યના ઉપમુખ્ય પ્રધાન અજિત પવારે ફરી એક વાર લોકડાઉન લગાવવાની સલાહ આપી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓની સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

બિહારમાં 30 દિવસોમાં 37 લોકોનાં મોત

બિહારમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમણ 12 ગણું વધ્યું છે. બિહારમાં છેલ્લા 30 દિવસોમાં 37 લોકોનાં મોત થયાં છે.

સચિન તેન્ડુલકર હોસ્પિટલમાં દાખલ થયો છે. સચિને ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી હતી. તેણે ફેન્સનો આભાર માનતાં લખ્યું છે તમારી પ્રાર્થનાઓ માટે ધન્યવાદ.

કેન્દ્ર-રાજ્યોની મીટિંગ

કોરોનાની સ્થિતિ પર નિગરાની રાખવા માટે કેન્દ્ર સરકારની રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે બેઠક આયોજિત કરી છે આ બેઠકમાં બધાં રાજ્યોના મુખ્ય સચિવ હાજર છે.