પેપર લીક કાયદોઃ 10 વર્ષની સજા, રૂ એક કરોડના દંડની જોગવાઈ

નવી દિલ્હીઃ પેપર લીકનો મુદ્દો હાલનાં કેટલાંક વર્ષોમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જોખમી બની ગયો છે. હાલમાં NEET એક્ઝામનું પેપર લીક અને પરિણામમાં છીંડાં હોવાના વિવાદે ફરી એક વાર વિદ્યાર્થીઓમાં ભારેલો અગ્નિ પ્રવર્તી રહ્યો છે. NEET-UG પરીક્ષા 2024 પેપર લીક મામલે હવે સરકારે નકલ અને પેપર લીક અટકાવવા માટે લોક પરીક્ષા કાનૂન 2024નું નોટિફિકેશન જારી કરી દીધું છે. આ કાયદામાં કડક જોગવાઈ કરવામાં આવી છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરવામાં આવેલા કાયદામાં કેટલીક આકરી જોગવાઈ છે અને એનો ઉદ્દેશ નકલબાજો અને પેપર લાક કરવાવાળા પર આકરી કાર્યવાહી કરવાનો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોક પરીક્ષા બિલને મંજૂરી આપી દીધી છે, જે એક કાયદો બની ગયો છે. કેન્દ્ર સરકાર UPSC, SSC વગેરે ભરતી પરીક્ષાઓ અને NEET, JEE અને CUET જેવી પ્રવેશ પરીક્ષામાં લીક, ગેરરીતિ અટકાવવા માટે જાહેર પરીક્ષા અધિનિયમ, 2024 લાવી હતી.

આ કાયદા હેઠળ નીચે પ્રમામેની જોગવાઈઓ છે.

  • લોક પરીક્ષા વિધેયક 2024 હેઠળ દંડનો પ્રસ્તાવ છે કે અનુચિત સાધનો માટે ત્રણ વર્ષથી પાંચ વર્ષની કેદ અને રૂ. 10 લાખ સુધીના દંડની જોગવાઈ.
  • જો કોઈ વ્યક્તિ, ગ્રુપ કે વ્યક્તિ દ્વારા સંગઠિત ગુનો કરે છે, જેમાં પરીક્ષા ઓથોરિટી, સર્વિસ પ્રોવાઇડર કે અન્ય સંસ્થા સામેલ હશે તો એને લઘુતમ રૂ. એક કરોડના દંડની સાથે પાંચથી 10 વર્ષની કેદની સજા આપવામાં આવશે.
  • ઉત્તરવહી સાથે છેડછાડ કરવાવાળા દોષી થનારા આરોપીને કમસે કમ ત્રણ વર્ષની સજા થશે, જે વધીને મહત્તમ પાંચ વર્ષ કરવામાં આવશે.
  • કાયદો કહે છે કે ડેપ્યુટીન સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ અથવા એસિસ્ટન્ટ પોલીસ કોઈ પણ ફરિયાદની તપાસ માટે જવાબદાર રહેશે.

જો તમે આ કામ કરશો તો તમને થશે સજા

  • પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર અથવા આન્સર કી લીક કરવી
  • જો તમે આન્સર કી અથવા પેપર લીકમાં અન્ય લોકો સાથે સંકળાયેલા હોવ તો
  • કોઈ પણ સત્તા વગર પ્રશ્નપત્ર અથવા OMR શીટ જોવી અથવા રાખવી
  • પરીક્ષા દરમિયાન કોઈ પણ અનધિકૃત વ્યક્તિ દ્વારા એક અથવા વધુ પ્રશ્નોના જવાબો આપવા પર
  • ઉમેદવારને કોઈ પણ પરીક્ષામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબો લખવામાં મદદ કરવા માટે
  • જવાબ પત્રક અથવા OMR શીટમાં કોઈ પણ વિસંગતતાના કિસ્સામાં
  • કોઈ પણ સત્તા વિના અથવા બોનાફાયડ એરરના આકારણીમાં કોઈ પણ હેરફેર કરવી
  • કોઈ પણ પરીક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો અને નિયમોનું જાણીજોઈને અવગણના અથવા ઉલ્લંઘનના કિસ્સામાં.

શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે પેપર લીકને અટકાવવા અને નકલ ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર લોક પરીક્ષા સંબંધી કાયદો લાવી છે.