મોદીના શપથ પર પાકિસ્તાની PM શાહબાઝ શરીફે કરી આ પોસ્ટ, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા પર તમામ દેશો અભિનંદન સંદેશ મોકલી રહ્યા છે. રવિવારે (9 જૂન, 2024)ના રોજ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં માલવિડના પ્રમુખ મોહમ્મદ મુઈઝુએ પણ હાજરી આપી હતી. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ કાર્યક્રમમાં તેમની ભાગીદારીને સકારાત્મક વલણ તરીકે જોવામાં આવી રહી છે. આ દરમિયાન પાડોશી દેશ પાકિસ્તાને પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનવા પર અભિનંદન.

અગાઉ જ્યારે પાકિસ્તાનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદીને અભિનંદન આપવાનું ઉતાવળ છે કારણ કે તેમણે પીએમ તરીકે સત્તાવાર રીતે શપથ લીધા નથી. ઉલ્લેખનીય છે કે શનિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પીએમ મોદીના સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાના સવાલ પર કહ્યું, ‘અમને ભારતની ચૂંટણી પ્રક્રિયા પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી. ભારતીય નાગરિકોનો અધિકાર છે કે તેઓ કોને તેમના નેતા તરીકે પસંદ કરવા માગે છે. નરેન્દ્ર મોદીએ હજુ સુધી સત્તાવાર રીતે પીએમ તરીકે શપથ લીધા નથી, તેથી તેમને અભિનંદન આપવાનું વહેલું છે.

ઝહરા બલોચે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન હંમેશા ભારત સહિત તેના તમામ પડોશીઓ સાથે સારા અને સહયોગી સંબંધો ઈચ્છે છે. પાકિસ્તાન હંમેશા જમ્મુ-કાશ્મીર સહિત તમામ મુદ્દાઓને ઉકેલવા માટે રચનાત્મક વાતચીતની વકાલત કરતું આવ્યું છે.

આ પહેલા પીએમ મોદીએ શાહબાઝ શરીફને સતત બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. પાકિસ્તાનમાં આ વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ હતી અને શહેબાઝ શરીફે બીજી વખત 5 માર્ચે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે.