નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટની વિપક્ષની ટીકાનું ખંડન કરતાં સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષ પર બજેટ પર રચનાત્મક પ્રતિક્રિયા આપવાને બદલે માત્ર રાજકારણમાં લિપ્ત રહેવાનો આરોપ લગાવ્યો હતો. બજેટના મહત્વ પર બોલતાં તેમણે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો પર પ્રકાશ ફેંકતાં એને ઐતિહાસિક બજેટ ગણાવ્યું હતું.
તેમણે. સંસદીય સત્ર દરમ્યાન બજેટ પર ફોકસ કરવાનો આગ્રહ કર્યો હતો. વિપક્ષે બજેટની ટીકા કરીને જનાદેશનું અપમાન કર્યું છે. વિપક્ષે બજેટનો ઉલ્લેખ કર્યા વિના માત્ર એના વિશે નકારાત્મક વાત કરી છે. હું અપીલ કરું છું કે બજેટ સેશન દરમ્યાન ચર્ચા-વિચારણા એની આસપાસ રહેવી જોઈએ. બજેટનું લક્ષ્ય ભારતને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાનું છે. ઇન્ફ્રાના માળખા માટે ફાળવણી છે.
વિશ્વના દરેક ખૂણાને કવર કરવાની જોગવાઈ છે. મહિલાઓ માટે, રોજગાર માટે ખેડૂતો માટે ફંડની ફાળવણી કરવામાં આવી છે. જો વિપક્ષ નહીં સમજે કે વડા પ્રધાન મોદીને કારણે સત્તામાં આવ્યા છે તો જનતા તેમને સજા આપશે. જે રીતે કેટલાક પક્ષોના નેતાઓએ બજેટ સેશન દરમ્યાન ટિપ્પણી કરી અને જે પ્રકારે નિવેદનો આપ્યાં છે, એ જોતાં હું કહેવા ઇચ્છીશ કે તેમણે બજેટ સેશનની ગરિમાને ઘટાડી છે અને સંસદનું અપમાન કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.બીજી બાજુ, વિપક્ષે ખુરશી બચાવો, બજેટ મુર્દાબાદનો સૂત્રોચ્ચાર કરતાં બજેટની ટીકા કરતાં નાણાપ્રધાન પર પોકળ વચનો આપવાનો આરોપ લગાવ્યો હતો. ઇન્ડિયા બ્લોકના નેતાઓએ બજેટ ભેદભાવપૂર્ણ હોવાનો દાવો કર્યો હતો.