લોકસભા ચૂંટણીઃ પરિણામો પછી ભાજપમાં અસંતોષનો ઉકળતો ચરુ?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024નાં ચૂંટણી પરિણામો ભાજપના અંદાજ મુજબ નથી આવ્યાં. પાર્ટીને 240 સીટો પર જીત સાથે એકલા હાથે બહુમતી નથી મળી. જોકે 293 સીટો સાથે NDA કેન્દ્રમાં સરકાર બનાવી શકે છે, પરંતુ આવામાં ભાજપમાં ઉમેદવારોની પસંદગી, નેતાઓના વર્તન અને કેન્દ્રીય નેતૃત્વની કાર્યશૈલીને લઈને સવાલો ઊભા થવા માંડ્યા છે.

આસામમાં તો એક વિધાનસભ્યએ જાહેરમાં જોરહાટ સીટ કોંગ્રેસમાં જતાં કહ્યું હતું કે આ મુખ્ય મંત્રી હિમંત બિશ્વ સરમાના અહંકારને કારણે થયું છે. પશ્ચિમ બંગાળમાં બે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ અને ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષની હાર બાદ રાજ્યના કેટલાક વરિષ્ઠ ભાજપના નેતાઓએ ઉમેદવારોની પ્રક્રિયા ને ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી મેનેજમેન્ટને લઈને સવાલ ઊભા કર્યા છે.

બંગાળમાં ભાજપને માત્ર 12 સીટો મળ્યાના એક દિવસ પછી રાજ્ય એકમના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે પરિણામોએ પ્રદેશાધ્યક્ષ સુકાંત મજુમદારની અધ્યક્ષતામાં હાલના પાર્ટી સંગઠનની ખામીઓને ઉજાગર કરી હતી.

ભાજપના એક મોટા વર્ગનું માનવું હતું કે ખરાબ ઉમેદવારોની પસંદગી ને સિનિયર નેતાઓના વધુપડતા આત્મવિશ્વાસને કારણે પાર્ટીને બંગાળમાં નુકસાન થયું હતું.

ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત ના મળવા પર કેટલાક નેતાઓએ જણાવ્યું હતું કે આવાં ચૂંટણી પરિણામો પછી પાર્ટીની અંદર મંથન તેજ થઈ શકે છે. હવે ભાજપ જે રીતે NDAના સહયોગીઓની વાતો સાંભળવી અને તેમને સાથે લઈને ચાલવાની મજબૂરી રહેશે, તો બીજી બાજુ પક્ષની અંદર પણ સહમતીપૂર્ણ દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે આ લોકસભા ચૂંટણી ભાજપમાં એક નવો અધ્યાય લખશે કે નેતૃત્વ હવે સવાલ અથવા ટીકાથી પર નથી.