ઓપરેશન ‘ઓલ આઉટ’: સેનાને કશ્મીરમાં આ વર્ષે મળી સૌથી વધુ સફળતા

શ્રીનગર- ભારતીય સેનાએ ગઇકાલે રોજ ઉત્તર કશ્મીરમાં અથેલી અથડામણમાં લશ્કરના ત્રણ આતંકીને ઠાર માર્યા હતા. આ સાથે જ ઉત્તર કશ્મીરમાં ઓપરેશન ‘ઓલ આઉટ’માં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા 110થી વધુ થઈ ગઈ છે. જ્યારે જમ્મુ-કશ્મીરમાં માર્યા ગયેલા કુલ આતંકીઓનો આંકડો 210ને પાર કરી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ આતંકી ઉત્તર કશ્મીરમાં માર્યા ગયા છે. જ્યારે દક્ષિણ કશ્મીરમાં આતંકીઓના કમાંડર મોટી સંખ્યામાં ઠાર મરાયા છે. જેમાંથી ઘણા આતંકીઓ છેલ્લાં 4-5 વર્ષથી કશ્મીર ઘાટીમાં સક્રિય હતા.

ગત રોજ આતંકીઓ સાથેની અથડામણમાં સેનાએ એક આતંકીને જીવતો પકડવા પ્રયાસ કર્યો હતો. જોકે ઘાયલ થયેલો આ આતંકવાદી વધુ જીવી શક્યો નહતો. ઓપરેશન ઓલ આઉટમાં સૌથી વધુ 49 આતંકી કુપવાડામાં ઠાર મરાયા છે. ત્યારબાદ હંદવાડામાં 40 અને બાંદીપોરામાં 22 આતંકીઓને સેનાએ ઠાર માર્યા છે.

જોકે દક્ષિણ કશ્મીર હજી પણ સ્થાનિક આતંકીઓની ગતિવિધિનું પ્રમુખ કેન્દ્ર છે. જેથી અહીં ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત આતંકીઓના શિર્ષ કમાંડરોને ઠાર કરવા ભારતીય સેના દ્વારા નવી રણનીતિ બનાવવામાં આવી છે.