‘પાકિસ્તાન સાથે મળીને કાવતરું’વાળો આક્ષેપ કરવા બદલ મોદી માફી માગેઃ મનમોહન સિંહ

નવી દિલ્હી – ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવો આક્ષેપ કરવા બદલ દેશની માફી માગવા કહ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે ડો. સિંહે પાકિસ્તાન સાથે ષડયંત્ર રચ્યું છે.

મોદીના આક્ષેપને ખોટો કહીને નકારી કાઢતાં મનમોહન સિંહે કહ્યું કે વડાપ્રધાન મોદીએ કરેલા આક્ષેપોથી મને બેહદ દુઃખ થયું છે.

વડાપ્રધાન મોદીએ ગઈ કાલે ગુજરાતના પાલનપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાન માથું મારી રહ્યું છે.

મોદીએ એવો દાવો કર્યો હતો કે કેટલાક પાકિસ્તાની અધિકારીઓ ગઈ 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં કોંગ્રેસી નેતા મણિશંકર ઐયરના નિવાસસ્થાને ડિનર માટે ભેગા થયા હતા. એ મીટિંગમાં મનમોહન સિંહ પણ હાજર હતા. એ ડિનર મીટિંગના બીજા દિવસે ઐયરે મોદી વિશે ‘નીચ’ શબ્દ ઉચ્ચાર્યો હતો.

મનમોહન સિંહે આજે એક નિવેદન બહાર પાડ્યું છે અને તે ડિનર મીટિંગમાં કોણ કોણ હાજર હતું એમના નામ પણ આપ્યા હતા અને ભારપૂર્વક કહ્યું છે કે એ ડિનર મીટિંગમાં ગુજરાતની ચૂંટણી વિશે કોઈ પણ ચર્ચા કરવામાં આવી નહોતી.

મનમોહન સિંહે વધુમાં કહ્યું છે કે, ‘મણિશંકર ઐયરે યોજેલા ડિનરમાં મેં કોઈની પણ સાથે ગુજરાતની ચૂંટણી વિશે ચર્ચા કરી હતી એવા મોદીના આક્ષેપને હું ખોટા કહીને નકારી કાઢું છું. હું આશા રાખું છું કે મોદી આવી ખોટી વાત કરવા બદલ દેશની માફી માગશે અને તેઓ જે પદ પર બેઠા છે એની ગરિમા પ્રસ્થાપિત કરશે. મોદીને ગુજરાતની ચૂંટણીમાં ભાજપની હારનો ડર સતાવે છે એટલે રાજકીય લાભ માટે આવા આક્ષેપો કરી રહ્યા છે.’