રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા, માતાનાં અનુગામી બન્યા

નવી દિલ્હી – રાહુલ ગાંધી આજે કોંગ્રેસ પક્ષના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ એમના માતા સોનિયા ગાંધીનાં અનુગામી બન્યા છે.

47 વર્ષીય રાહુલ પક્ષનું પ્રમુખપદ આવતી 16 ડિસેમ્બરે વિધિવત્ત રીતે સંભાળશે.

સોનિયા ગાંધીએ 1998થી 19 વર્ષ સુધી પક્ષનું પ્રમુખપદ સંભાળ્યું હતું.

રાહુલ ગાંધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. એમની ઉમેદવારીને પક્ષમાંથી બીજા કોઈ પણ સભ્યએ પડકારી નહોતી.

કોંગ્રેસના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટી ચેરમેન એમ. રામચંદ્રન અને સીઈએનાં સભ્યો મધુસુદન મિસ્ત્રી તથા ભૂવનેશ્વર કલિતાએ જાહેરાત કરી છે કે પ્રમુખપદ માટે એકમાત્ર રાહુલની જ ઉમેદવારી નોંધાઈ હતી.

રાહુલ ગાંધીને 16 ડિસેમ્બરે સોનિયા ગાંધી તથા પક્ષના બીજા સિનિયર નેતાઓની હાજરીમાં પક્ષના પ્રમુખ તરીકે એમની નિમણૂક કરતું સર્ટિફિકેટ સુપરત કરવામાં આવશે.

એ દિવસે સવારે લગભગ 11 વાગ્યે સોનિયા ગાંધી સત્તાવાર રીતે 132 વર્ષ જૂના પક્ષનો હવાલો રાહુલને સોંપશે. ત્યારબાદ રાહુલ દેશભરમાંથી આમંત્રિત પક્ષના નેતાઓને અત્રે કોંગ્રેસના મુખ્યાલયમાં મળશે.

ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસ પાર્ટી પંજાબ વિધાનસભાની ચૂંટણીને બાદ કરતાં અનેક ચૂંટણીઓમાં હારતી જ આવી છે.