રેલવેનો સામાન ચોરી કરતાં પકડાયાં લાખો પ્રવાસી, જાણો કોણ છે ટોપ 5માં

નવી દિલ્હી- ભારતીય રેલવે વિભાગે ટ્રેનમાં થતી ચોરીની ઘટનાઓને લઈને આંકડાં જાહેર કર્યા છે, જે ખરેખર આશ્ચર્યજનક છે. મળતી માહિતી મુજબ વર્ષ 2016માં દેશભરમાં આશરે 11 લાખ લોકો ટ્રેનના વિવિધ સામાનની ચોરી કરતા પકડાયાં હતાં.

રેલવેના જે સામાનની ચોરી કરવામાં આવે છે તેમાં રેલવેના પાટા, તાંબાના તાર, લોખંડના બોલ્ટ, ટુવાલ, વોશબેસિન, ધાબળાં અને નેપકીન સહિતની અનેક વસ્તુઓની ચોરી કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ લોકો ઉત્તરપ્રદેશમાં 1.22 લાખ લોકો રેલવેના સામાનની ચોરીના આરોપમાં પકડાયાં છે.

રેલવે પ્રોટેક્શન ફોર્સના (RPF) જણાવ્યા મુજબ બોટલ, ઓવરહેડ વાયર, પંખા, ફિશ પ્લેટ (રેલવેના પાટાને જોડતી પટ્ટી), ટ્યુબલાઈટ સહિતની અનેક વસ્તુઓની ચોરી થયાના કેસ નોંધાયા હતા. આ ઘટનાઓમાં મધ્યપ્રદેશ ત્રીજા નંબરે રહ્યું. જેમાં 98 હજાર 594 ચોરીના કેસ નોંધાયા હતા. આ યાદીમાં તામિલનાડૂ ચોથા નંબરે રહ્યું. જેમાં 81 હજાર 408 લોકોની રેલવેનો સામાન ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત આ યાદીમાં પાંચ સ્થાને રહ્યું. જ્યાં 77 હજાર 047 લોકોની રેલવેનો સામાન ચોરી કરવાના આરોપમાં અટકાયત કરવામાં આવી હતી.

રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર રેલવેમાં ઉંચી ગુણવત્તાવાળું લોખંડ, રેલવેના ટ્રેકમાં ઉપયોગ કરવામાં આવતા તાંબાના તાર અને ઓવર હેડ તારોની ચોરી સૌથી વધુ થતી હોવાની ફરિયાદો નોંધાઈ હતી. આ મામલે નોર્થ-સેન્ટ્રલ રેલવે ઝોનના અધિકારીએ જણાવ્યું કે, ઓવરહેડ તારમાં 25 હજાર વોલ્ટેજ પસાર થતા હોય છે. આ તારની ચોરી થવાને કારણે 99.9 ટકા સપ્લાય પ્રભાવિત થાય છે. ચોરી કરાયા બાદ આ તારને ચોર બજારમાં વેચી દેવામાં આવે છે. જેનાથી દેશની સંપત્તિને અબજો રુપિયાનું નુકસાન થાય છે.