એકથી વધુ બેઠક પર ચૂંટણી ન લડે ઉમેદવાર, પ્રતિબંધની માગ સાથે SCમાં અરજી

નવી દિલ્હી- દેશમાં યોજાતી કોઈપણ ચૂંટણીમાં ઉમેદવારને એકથી વધુ બેઠક પર ચૂંટણી લડવા પર રોક લગાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. આ જનહિતની અરજીને અટોર્ની જનરલ અને ચૂંટણી પંચને આપવાનો કોર્ટે અરજીકર્તાને નિર્દેશ આપ્યો છે.

પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્ર, ન્યાયાધીશ એ.એમ. ખાનવિલકર તેમજ ન્યાયાધીશ ધનંજય ચન્દ્રચૂડની ત્રણ જજોની ખંડપીઠે અરજીકર્તાને જણાવ્યું કે, અરજીની નકલ અટોર્ની જનરલને સુપ્રત કરવામાં આવે જેથી તેઓ આ મામલે યોગ્ય મદદ કરી શકે.

અરજીકર્તાએ તેની અરજીમાં માગ કરી છે કે, કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ ઉમેદવારોને એકથી વધુ બેઠક ઉપરથી ચૂંટણી લડવા પર રોક લગાવવા માટે યોગ્ય પગલા ભરે. આ ઉપરાંત અરજીમાં એ પણ માગ કરવામાં આવી છે કે, સંવિધાનના કામકાજની સમીક્ષા કરવા માટે રચના કરવામાં આવેલા કમિશનની ભલામણ મુજબ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવારને જો કોઈ ચૂંટણી લડવા માટે હતોત્સાહિત કરે તો તેની સામે પણ યોગ્યા કાર્યવાહી કરવામાં આવે.

અરજીકર્તાએ વિધિ આયોગની 170મી રિપોર્ટનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, આ યોગ્ય સમય છે જ્યારે અપક્ષ ઉમેદવારોને લોકસભાની ચૂંટણી લડવાથી રોકવામાં આવે. ઉપરાંત અરજીકર્તાએ તેની અરજીમાં જણાવ્યું છે કે, વર્ષ 2004માં મુખ્ય ચૂંટણી કમિશનરે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો કે, કાયદામાં સંશોધન કરીને કોઈપણ ઉમેદવારને એકથી વધુ બેઠક પર ચૂંટણી લડવા અંગે મનાઈ કરવામાં આવે.