નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ મહાબીમારીના સંદર્ભમાં આજે પોતાનો વિડિયો સંદેશ દેશવાસીઓ સમક્ષ રજૂ કર્યો હતો અને અપીલ કરી છે કે આ બીમારીએ સર્જેલા અંધકારમાંથી આપણે પ્રકાશ તરફ જવાનું છે. એમાં કોઈ એકલું નથી, સૌ સંગઠિત છે. તેથી આપણે 130 ભારતવાસીઓએ પાંચ એપ્રિલના રવિવારે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી પ્રકાશની મહાશક્તિનો એહસાસ કરવાનો છે.
મોદીએ અપીલમાં કહ્યું કે, પાંચ એપ્રિલ રવિવારે રાતે 9 વાગ્યે ભારતવાસીઓ તમારા ઘરની તમામ લાઈટ્સ બંધ કરી દેજો. ઘરના દરવાજા પર, કે બાલકનીમાં ઊભીને મીણબત્તી, દીવો, ટોર્ચ કે મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ પેટાવજો અને દ્વારા પ્રકાશનો ફેલાવો કરજો. એ કામ 9 મિનિટ સુધી કરજો.
વડા પ્રધાન મોદીએ ભાર દઈને કહ્યું છે કે પાંચ એપ્રિલની રાતે પ્રકાશનો ફેલાવો કરવા માટે કોઈએ એકત્ર થવાનું નથી. કોઈએ પણ રસ્તાઓ પર, ગલીઓમાં કે મહોલ્લામાં ભેગા થવાનું નથી, પણ સૌએ પોતપોતાના ઘરમાં જ એ કામ કરવાનું છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, આ રવિવાર, પાંચ એપ્રિલે આપણે સહુએ મળીને કોરોનાએ સર્જેલા સંકટને પડકાર ફેંકવાનો છે. પ્રકાશનો ફેલાવો કરવો એ અંધકારનો અંત લાવવા માટે રામબાણ ઈલાજ છે.
મોદીએ એમના સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવા માટે દેશવ્યાપી 21-દિવસના લોકડાઉનને આજે 9 દિવસ થયા છે. આ દિવસો દરમિયાન દેશવાસીઓએ નિયમોનું પાલન કરીને અને સેવાભાવનો જે પરિચય આપ્યો છે અને તે અભૂતપૂર્વ છે.
‘ચાલો આપણે સાથે મળીને કોરોના બીમારીને હરાવીએ, ભારતને વિજયી બનાવીએ,’ એમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો વિડિયો સંદેશ સમાપ્ત કર્યો હતો.
