કોહિનૂર હિરો ભગવાન જગન્નાથનોઃ ઓડિશાની સંસ્થાનો દાવો

ભૂવનેશ્વરઃ ઓડિશાના યાત્રાધામ પુરી શહેરની સામાજિક-સાંસ્કૃતિક સંસ્થા શ્રી જગન્નાથ સેનાએ દાવો કર્યો છે કે કોહિનૂર હિરો ભગવાન જગન્નાથનો છે. આ હિરો બ્રિટન પાસેથી મેળવીને પુરી સ્થિત જગન્નાથ મંદિરને પરત કરવામા આવે એ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હસ્તક્ષેપ કરે એવી સંસ્થાએ માગણી કરી છે.

બ્રિટનમાં રાણી એલિઝાબેથ-દ્વિતીયનું નિધન થતાં એમનાં પુત્ર પ્રિન્સ ચાર્લ્સ રાજા બન્યા છે. નિયમો અનુસાર, 105-કેરેટવાળા કોહિનૂર હિરો જડિત તાજ હવે ચાર્લ્સના પત્ની ડચેસ ઓફ કોર્નવોલ કમિલાને આપવામાં આવશે, જે હવે રાણી બન્યાં છે.

શ્રી જગન્નાથ સેના સંસ્થાના સંયોજક પ્રિયદર્શન પટનાયકે રાષ્ટ્રપતિ મુર્મુને એક આવેદનપત્ર સુપરત કર્યું છે જેમાં એમણે માગણી કરી છે કે કોહિનૂર હિરો ભગવાન જગન્નાથનો છે અને તે પુરી શહેરમાં આવેલા 12મી સદીના જૂના જગન્નાથ મંદિરને પરત કરવામાં આવે એ માટે તેઓ હસ્તક્ષેપ કરે. અમે ભારતના વડા પ્રધાનને પણ વિનંતી કરીએ છીએ કે કોહિનૂર હિરો ભારત લાવવા માટે તેઓ પગલાં ભરે

પુરીના ઈતિહાસવિદ્દ અને સંશોધક અનિલ ધીરે પીટીઆઈ સમાચાર સંસ્થાને કહ્યું કે, મહારાજા રણજીતસિંહે અફઘાનિસ્તાનના નાદિર શાહ સામેની લડાઈ જીત્યા બાદ પોતાના વસિયતનામામાં કોહિનૂર હિરો ભગવાન જગન્નાથને દાનમાં આપ્યો હતો. પરંતુ એ હિરો તાત્કાલિક રીતે સુપરત કરાયો નહોતો. રણજીતસિંહ 1839માં મૃત્યુ પામ્યા એના 10 વર્ષ બાદ એમના પુત્ર દુલીપસિંહ પાસેથી બ્રિટિશ શાસકોએ કોહિનૂર હિરો લઈ લીધો હતો. બ્રિટિશરોને ખબર હતી કે હિરો ભગવાન જગન્નાથનો છે તે છતાં એમણે હિરો લઈ લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]