ભાજપ જઈ રહ્યો છે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છેઃ કેજરીવાલ

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આડે માંડ બે મહિના રહ્યા છે, ત્યારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મતદારોને રીઝવવા આકાશપાતાળ એક કરી રહ્યા છે. તેઓ હાલ ગુજરાતના પ્રવાસે છે. તેમણે કહ્યું હતું કે ભાજપ જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી આવી રહી છે. અમે રાજ્યમાં બધી બેઠકો પર ચૂંટણી લડીશું. તેમણે કોંગ્રેસના એક આરોપનો જવાબ આપતાં કહ્યું હતું કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. તેમણે પત્રકારોને કહ્યું હતું કે હવે તમે કોંગ્રેસના સવાલો પૂછવાનું બંધ કરો, કેમ કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે.

તેમણે કહ્યું હતું કે હું છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં ફરી રહ્યો છું, જનતાથી મળી રહ્યો છું. કેટલાય ટાઉન હોલમાં કાર્યક્રમો કર્યા છે. વકીલો, ઓટો ડ્રાઇવર, ખેડૂતો, વેપારીઓ- બધાથી મળ્યો છું. બધાએ કહ્યું છે કે ગુજરાતમાં બહુ ભ્રષ્ટાચાર છે. તમારે કોઈ પણ સરકારી વિભાગમાં કામ કરાવવું હોય તો પૈસા આપવા પડે છે. નીચેના સ્તરે પણ ભ્રષ્ટાચાર છે.ઉપર પણ આરોપ લાગે છે. તમે કંઈ બોલો તો ડરાવવા અને ધમકાવવા પહોંચી જાય છે.

વેપારીઓ, ઉદ્યોગપતિઓને રેડની ધમકી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારો ધંધો બંધ કરાવી દઈશું. ચારે બાજુ એટલો ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી છે. આજે અમે ગેરન્ટી આપીએ છીએ. ગુજરાતમાં આમ આદમીની પાર્ટીની સરકાર બની તો ભ્રષ્ટાચારમુક્ત અને ભયમુક્ત શાસન આપીશું.

અમારા કોઈ પણ મુખ્ય મંત્રી, મંત્રી, વિધાનસભ્ય અથવા કોઈ પણ સાંસદ કોઈને ભ્રષ્ટાચાર નહીં કરવા દઈએ. ભ્રષ્ટાચાર કર્યો તો જેલ મોકલી દઈશું. ગુજરાતની જનતાના પૈસા ગુજરાતના વિકાસ પર ખર્ચ થશે.

બીજી બાજુ, છોટુ વસાવાની પાર્ટીએ આમ આદમી પાર્ટી સાથે ચાર મહિના જૂનું ગઠબંધન તોડી નાખ્યું છે.