સપનાંઓનો વેપાર કરનારને રાજ્યમાં સફળતા નહીં મળેઃ શાહ

અમદાવાદઃરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને રાજકીય ગરમાટો આવ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓની વચ્ચે નિવેદનોમાં ચકમક જારી છે. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે સપનાંઓનો વેપાર કરનારને ગુજરાતમાં સફળતા નહીં મળે. લોકસભાના ક્ષેત્ર ગાંધીનગરમાં કેટલાક પ્રોજેક્ટનું ઉદઘાટન કરતા શાહે આ વાત કરી હતી. તેમણે આ વખતે દાવો કર્યો હતો કે ગુજરાતમાં આ વખતે ફરી ભાજપની સરકાર બનશે, પણ પ્રચંડ બહુમત મળશે.

કેજરીવાલને અમદાવાદમાં પૂછવામાં શાહના નિવેદન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે શાહ બિલકુલ સાચું કહી રહ્યા છે, જે લોકો સપનાં દેખાડે અને કહે છે કે રૂ. 15 લાખ બેન્કમાં જમા કરાવીશું – તેમના પર બિલકુલ વિશ્વાસ નહીં કરતાં, પણ જે કહે- હું દિલ્હી અને પંજાબમાં મફત વીજળી આપ્યા પછી ગુજરાતમાં મફત આપીશ તો તેના પર વિશ્વાસ કરજો.https://twitter.com/AmitShah/status/1569628818264170499

બીજી બાજુ, રાજ્યની પટેલ સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે એ નિમિત્તે મહાત્મા મંદિરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ગૃહ મંત્રીએ ગુજરાત ભાજપનો મુખ્ય મંત્રીપદનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ રહેશે એવો ફરીથી એક વખત સંકેત આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે સપ્ટેમ્બરના અંતમાં ચૂંટણી પણ જાહેર થઈ જશે.

તેમણે ગુજરાતની ભાજપ સરકારનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલે સીએમ તરીકે જાહેર થયા ત્યારે તેમની સામે મીડિયા દ્વારા સવાલ ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સાબિત કર્યું છે કે બોલ્યા વગર પણ કામગીરી કરી શકાય છે. રાજ્યમાં હવે કાયદો વ્યવસ્થા ખૂબ મજબૂત બની છે તેમજ ગુજરાત સરકારે સૌથી વધુ નશાનો કારોબાર ઝડપ્યો છે, જે માટે હું અભિનંદન આપું છું. તેમણે ચૂંટણીલક્ષી સંકેત આપતાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતીથી સરકાર બનાવશે.