જમ્મુઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અહીં એક કાર્યક્રમમાં ભારતની રાષ્ટ્રીય સલામતી વિષય પર પોતાના પ્રાસંગિક સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકારે ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટાડવા માટે લીધેલા પગલાંની પ્રશંસા કરી હતી. તે છતાં તેમણે એમ પણ કહ્યું કે, ભ્રષ્ટાચારને જડમૂળથી દૂર કરવાનું અશક્ય છે.
રાજનાથ સિંહે કહ્યું કે, ‘હું એવો દાવો નહીં કરું કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારે ભ્રષ્ટાચારના દૂષણને જડમૂળમાંથી દૂર કરી દીધું છે, કારણ કે તેમ કરવું અશક્ય છે. માત્ર ભાષણો કરવાથી ભ્રષ્ટાચારને ઘટાડી કે જડમૂળમાંથી ઉખેડી શકાય નહીં. એને જડમૂળમાંથી તો દૂર કરી જ શકાય એમ નથી. હું એવો દાવો નથી કરતો કે અમે ભ્રષ્ટાચારને એના મૂળમાંથી ઉખેડી નાખ્યું છે. એવું કોઈ પણ કરી શકે એમ નથી. સતયુગમાં ભ્રષ્ટાચાર હતો કે નહીં, એની મને ખબર નથી.’
