અવંતિકા એક્સપ્રેસનો AC કોચ બન્યો વોટરફોલ

નવી દિલ્હીઃ મુંબઈ-ઇન્દોરની વચ્ચે ચાલતી અવંતિકા એક્સપ્રેસના એક સેકન્ડ AC કોચનો વિડિયો સોશિયલ મિડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. એ યાત્રી દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં કોચની છતથી પાણી વહી રહ્યું છે.

યાત્રીએ જણાવ્યું હતું કે AC કોચની છતમાંથી પાણી વહેવાથી યાત્રીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ વિડિયોને લીધે રેલવે વહીવટી તંત્રની ચોમેરથી ટીકા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે રેલવેની લાપરવાહીને કારણે જો ટ્રેનમાં કરન્ટ ફેલાઈ જાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે. આ વિડિયો 25 જૂનનો જણાવવામાં આવી રહ્યો છે. હાલ રેલવે અધિકારીઓને તત્કાળ તપાસના આદેશ આપ્યા છે.

કોંગ્રેસે AC કોચનો વિડિયો શેર કરતાં કહ્યું છે કે કાશ, કોરા પ્રચારને બદલે રેલવે એ કંઈક કામ કર્યું હતું. કોંગ્રેસ કટાક્ષ કરતાં લખ્યું હતું કે લીલી ઝંડી બતાવનાર  વડા (રેલવે) પ્રધાન હાલ વિદેશમાં છે, જ્યારે રેલવેપ્રધાને આ બાબતે ત્વરિત ધ્યાન આપવું જોઈએ.

મહિલા કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ નેટ્ટા ડિસુઝાએ ટ્વિટ કરતાં કહ્યું હતું કે ભારતીય રેલવેની દુર્દશા માટે કોણ જવાબદાર છે? એક અન્ય ટ્વિટર યુઝરે વ્યંગ કરતાં કહ્યું હતું કે ભારતીય રેલવેએ ઓપન શવરની સાથે નવો સુટ કોચ લોન્ચ કર્યો છે. એક અન્ય યુઝરે કહ્યું હતું કે ભારતીય રેલવે આ ટ્રેનોમાં શોવર જેલ, શેમ્પુ અને બાથરોબ ઉપલબ્ધ કરાવવા માટે ચર્ચા કરી રહી છે.

પશ્ચિમ રેલવેએ કહ્યું હતું કે આ મામલે તરત ધ્યાન આપવામાં આવ્યું છે અને અવંતિકા એક્સપ્રેસના બધા કોચોની તપાસ કરવામાં આવી છે અને હવે એવી કોઈ સમસ્યા નથી.